સુરતઃવરાછા વિસ્તારમાં ઘનશ્યામ નગર ખાતે આવેલી હોસ્પિટલમાં વર્ષ 2018ના એપ્રીલ મહિનાની પાંચમી તારીખે મહિલાની ત્રીજી વખત નોર્મલ ડિલિવરી થઈ હતી. ડિલિવરી બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવાર દ્વારા હોસ્પિટલ સામે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. જેથી પોલીસે ઘટનાના સવા વર્ષ બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે ડિલિવરી થયેલી ત્યાં જ ત્રીજી કરાવી હતી
વરાછા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવનાર સુરજ રાજનાથ તિવારીએ જણાવ્યું હતું કે, તેની પત્નીની બે ડિલિવરી ડો. અમૂલખ ખેની દ્વારા અગાઉ કરવામાં આવી હોવાથી તેના પર વિશ્વાસ હોવાથી તેઓ જે તે વખતે ત્યાં અડધી રાત્રે પહોંચ્યાં હતાં. બાળકનું માથું બહાર આવી ગયું હતું. તબીબે નોર્મલ ડિલિવરી કરી હતી. બાદમાં પત્નીને પીડા થઈ રહી હતી. પરંતુ તબીબે પીડા નોર્મલ ગણાવી હતી. બાદમાં ડોક્ટર જતા રહ્યાં હતાં. નર્સને બે વાર કહેવા છતાં તેમણે નોર્મલ બાબત ગણાવી હતી. પરંતુ શ્વાસ ચડી જતાં આખરે તેનું મોત નીપજ્યું હતું. બાળક તંદુરસ્ત છે. પત્નીના મોત બાદ તેને હોસ્પિટલની બેદરકારી દેખાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા લગ્ન કરનાર અને એમ્બ્રોઈડરી મશીનમાં કામ કરનાર સુરજે જણાવ્યું હતું હોસ્પિટલ સ્ટાફની બેદરકારી છે. જો તેમણે એક કલાક પહેલા ડોક્ટરને ફોન કરીને બોલાવી લીધા હોત તો કદાચ તેનું મોત ન થયું હોત.