સુરત : વિનસ હોસ્પિટલમાં મહિલાની હાર્ટની સારવાર દરમિયાન મોત, ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

0
9

સુરતમાં લાલ દરવાજાની ખ્યાતનામ વિનસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. રજા આપી દેવાયા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી. રવિવારે બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હોવાનું દીકરીએ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ ડોક્ટરને જાણ કરાયા બાદ પમ્પિંગ કરી માતાને ICUમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી ડોક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા. ભારે હોબાળો થતા પરિવારે 4વાર 100 નંબર પર ફોન કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક હોસ્પિટલ આવી હોવાનું જણાવતા લાલગેટ પોલીસ દોડી આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.

મહિલાના છાતીમાં પાણી ભરાઈ જતા ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

મૂળજીભાઈ પરમાર (મૃતક ઉમાબેન ના પતિ) એ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પત્ની ઉમાને હાર્ટની તકલીફ ઊભી થઈ હતી. જેથી તેને વિનસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર પૂરી થઈ જતા ઉમાને રજા આપી દેવાઈ હતી. જોકે, ત્યારબાદ છેલ્લા અઠવાડિયામાં ઉમાને છાતીમાં પાણી ભરાઈ જતા ફરી વિનસ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં કેટલીક દવાઓ ડોક્ટરોએ બંધ કરી દીધી હતી.

મહિલાને ICUમાં લઇ જવાયા બાદ થોડી જ વારમાં મૃત જાહેર

વધુમાં જણાવ્યું હતું કે રવિવારની બપોરે સ્ટાફ નર્સે બંધ કરેલી દવા પીવડાવી દીધા બાદ ઉમાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. જેની જાણ કરાતા ડોક્ટરો દોડતા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ વોર્ડમાં જ પમ્પિંગ શરૂ કરી ઉમાને ICUમાં લઇ જવાય હતી. ત્યારબાદ થોડી જ વારમાં મૃત જાહેર કરી દેવાઈ હતી. જે બાબતે અમે ડોક્ટર નો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે અંદરની વાત જાણીને હું ફોન કરું છું. જોકે, ત્યારબાદ એમનો ફોન સ્વિચ ઓફ કરી થઈ ગયો હતો.

સમાજના લોકોને જાણ થતાં ભારે ભીડ ભેગી ગઈ

વધુમાં ઉમેર્યું હતું કે, સમાજના લોકોને આ બાબતની જાણ થતાં ભારે ભીડ ભેગી ગઈ હતી. કોઈ ઉગ્ર વાતાવરણ ન બને એ માટે અમે પોલીસ કંટ્રોલને જાણ કરવા ઉપરા ઉપરી ચાર ફોન કર્યા હતા. જોકે, 100 નંબર પર બેસાલા મહિલા પોલીસ કર્મીને લાલ દરવાજા વિનસ હોસ્પિટલનું સરનામું મળતું જ ન હતું. રેલવે સ્ટેશન નજીક કહ્યા બાદ લાલગેટ પોલીસ આવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. ઉમાના મૃત્યુ પ્રકરણમાં સ્ટાફની ભૂલ હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી આશા રાખીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here