વડોદરા : મહિલા ટીડીઓએ કોન્ટ્રાક્ટરના બીલ પાસ કરાવવા 2 ટકા રકમ માંગી, 24 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા

0
0

વડોદરા: વાઘોડિયા તાલુકાના મહિલા તાલુકા વિકાસ અધિકારીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 24 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મહિલા ટી.ડી.ઓ.એ કોન્ટ્રાક્ટરનું બીલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી.


ટી.ડી.ઓ.એ 2 ટકા પ્રમાણે લાંચની માંગણી કરી

વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાઘોડિયાના મહિલા તાલુકા વિકાસ અધિકારી કામીનીબહેન ઠાકોરભાઇ પંચાલને (રહે. 9, મીનાક્ષી બંગલોઝ, ગણેશ ચોકડી, આણંદ) રૂપિયા 24,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા વાઘોડિયા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વાઘોડિયા તાલુકામાં વિવિધ કામ કરતા કોન્ટ્રાક્ટરે રોડ, શૌચાલય અને પ્રોટેક્શન દિવાલના કરેલા કામોના બીલો મૂક્યા હતા. જે બીલો મંજૂર કરવા માટે ટી.ડી.ઓ.એ 2 ટકા પ્રમાણે લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.

બીલ મંજૂર કરવા માટે રૂપિયા 7 હજાર આપ્યા હતા

કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે એ.સી.બી.એ 50 વર્ષના મહિલા ટી.ડી.ઓ. કામીનીબહેન ટી. પંચાલની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં ટી.ડી.ઓ. કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 24,000ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. આ ટી.ડી.ઓ.ને કોન્ટ્રાક્ટરે અગાઉ તા.19-9-019ના રોજ શૌચાલયનું કરેલ કામનું બીલ મંજૂર કરવા માટે રૂપિયા 7 હજાર આપ્યા હતા. બીજા બીલો મંજૂર કરવા માટે ટી.ડી.ઓ.એ 2 ટકા પ્રમાણે રૂપિયા 24,000ની લાંચ માંગી હતી.

આણંદ સ્થિત નિવાસ સ્થાને સર્ચ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી

એ.સી.બી.ના મદદનીશ નિયામક બી.જે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ એ.સી.બી. પી.આઇ. આર.એન. રાઠવાએ મહિલા ટી.ડી.ઓ. સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. એ.સી.બી. દ્વારા મહિલા તાલુકા વિકાસ અધિકારીના આણંદ સ્થિત નિવાસ સ્થાને સર્ચ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here