વડોદરા શહેરમાં ગયા ચોમાસામાં આવેલા વિનાશક પૂરની સૌથી વધુ અસર વોર્ડ નંબર 14 અને 16 માં થઈ હતી. આ વિસ્તારમાં વરસાદની પાણીનો ભરાવો ન થાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 14માં રામનાથ તળાવ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીં કોર્પોરેશન દ્વારા 3.56 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દોઢ બે મહિનામાં આ કામ પૂરું થશે. તળાવ ઊંડું થતાં 4 કરોડ લિટર પાણી વધુ ભરાઈ શકશે. આ કામગીરીનું આજરોજ વિધાનસભાના દંડક તેમજ વિસ્તારના કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.
હવે વરસાદી કાંસ ખુલ્લો અને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોખંડી, નાની શાક માર્કેટ, દાલિયા વાડીથી ઇદગાહ મેદાન સુધીના કાંસને નવું સ્વરૂપ આપવા સાફ કરવામાં આવશે. જેથી કરીને વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે. વિધાનસભાના દંડકના કહેવા અનુસાર આ કાંસ જ્યારથી બન્યો ત્યારથી સફાઈ કદાચ થઈ જ નહીં હોય. આ કાંસ પર ધંધો કરનારા લોકો અને દુકાનો અહીંથી શિફ્ટ કરવામાં આવશે, અને કાંસ ખોલીને આખો સાફ કર્યા બાદ ફરી ઢાંકી દેવામાં આવશે. ધંધાર્થીઓ, દુકાનદારો ભલે ફરી પાછા અહીં બેસીને પોતાની રોજગારી મેળવી શકે તેનો કોઈ વાંધો નથી. ચોખંડી વિસ્તાર માંથી વરસાદી પાણી આ કાંસમાંથી રામનાથ તળાવ અને આગળ બીજી કાંસોમાં પણ જાય છે, જે સરળતાથી જઈ શકે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.