ભાવનગર : નિરમા પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોએ વતન જવા માટે હોબાળો કરી સ્ટાફ બસમાં તોડફોડ કરી

0
6

ભાવનગર નજીક નિરમા પ્લાન્ટ અને નિરમા કોલોની ખાતે શ્રમિકોએ વતન જવાની માંગ સાથે શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન એકઠા થયેલા ટોળામાંથી રોષે ભરાયેલા કોઈએ પથ્થરમારો કરતાં બસના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. સવારના 9 વાગ્યાની આસપાસ ધીમે ધીમે શ્રમિકો એકઠા થવા લાગ્યા હતા અને વતન જવાની માંગ કરી રહ્યાં હતા. શ્રમિકોની સંખ્યા વધી ગઈ હતી અને ટોળુ મોટું થતાં પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ નિરમાના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને શ્રમિકોને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરપ્રાંતીયોને લઈને કોઈ ટ્રેનઆજે જવાની છે કે નહીં તે બાબતે રેલવેના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતાં તેમણે હજુ સુધી કોઈ પ્લાનિંગ અમારી પાસે આવ્યું નથી તેમ જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ કહ્યું આ અંગે ફરિયાદ નોંધાઇ છે

નિરમાના મામલે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ટ્રેન જવાની હતી પરંતું ઉત્તરપ્રદેશમાં તમામ રાજ્યોમાંથી આવતી હોય જેથી તમામ વ્યવસ્થા કરવી મુશ્કેલ કામ હોય જેથી ઉપરની સુચના મુજબ ટ્રેન રદ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં નિરમામાં કામ કરતા પચાસેક જેટલા શ્રમિકો જવાના હતા. ટ્રેન રદ થતા તે લોકો ગેરમાર્ગે દોરાયા હતા અને હલાબોલ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અત્યારે મામલો શાંત પડી ગયો છે અને ફરિયાદ નોંધવામાં આવી છે.