હેલ્થ ડેસ્કઃ ઘણા લોકોને ચોકલેટને લઇને એવો ભ્રમ હોય છે કે બહુ ચોકલેટ ખાવાથી વજન વધે છે અથવા ગળપણને લઇને ડાયાબિટીસ થવાની શક્યતા વધી શકે છે. જ્યારે ઘણા અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે વ્હાઇટ ચોકલેટની સરખામણીએ ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ત્યારે આજે એટલે કે 7 જૂનના રોજ ‘વર્લ્ડ ચોકલેટ ડે’ના દિવસે એક એવા રિસર્ચ વિશે વાત કરીએ જેમાં જણાવવામાં આવ્યું છે કે, બીપી-કોલેસ્ટેરોલ ઘટાડવાની સાથે ચોકલેટ મગજને પણ તંદુરસ્ત રાખે છે.
ચોકલેટ બીપી કન્ટ્રોલ કરે છે
હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા સંશોધન મુજબ, ચોકલેટ હાઈ બ્લડ પ્રેશર ધરાવાતા લોકો માટે વધુ ફાયદાકારક છે. આ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આ સંશોધનમાં 1106 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનાં પરિણામમાં જાણવા મળ્યું કે, ચોકલેટ બ્લડ પ્રેશર ઘટાડી હૃદય રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. એક અન્ય અભ્યાસ મુજબ, ચોકલેટ આહારમાં સામેલ કરવાથી નાઈટ્રિક ઓકસાઈડનું સ્તર વધવાથી બ્લડ પ્રેશરનાં સ્તરમાં ઘટાડો થાય છે.
કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડે છે
એક સંશોધન મુજબ, જો ચોકલેટ ઓછી માત્રામાં લેવામાં આવે તો કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડી શકાય છે. આ સાથે જ ગુડ કોલેસ્ટેરોલનું સ્તર વધે છે. આ કારણે હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોક લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે.
મેન્ટલ હેલ્થ સારી રહે છે
જો વધતી ઉંમરની અસર મગજ પર થઈ રહી હોય તો ચોકલેટ તમને રાહત આપી શકે છે. વર્ષ 2012માં યુનિવર્સિટી ઓફ નોટિંઘમમાં થયેલા એક અભ્યાસ મુજબ, ડાર્ક ચોકલેટ ખાસ કરીને મગજમાં બ્લડ ફ્લો સારો કરે છે, જેનાથી મગજની કાર્યક્ષમતા વધે છે. જર્નલ ન્યુરોલોજીમાં પ્રકાશિત સંશોધન અનુસાર, ડાર્ક ચોકલેટનું નાનકડું બાઇટ પણ 30% સુધી મેમરી વધારે છે.
ચોકલેટ ભૂખ કન્ટ્રોલ કરે છે
એવા લોકો જેને ભૂખ વધારે લાગતી હોય અને તેઓ વધતા વજનથી ચિંતિત હોય તેમણે દિવસમાં બે વાર થોડી-થોડી ચોકલેટ નિયમિત ખાવી જોઇએ. એક રિસર્ચ અનુસાર તેમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે, જે મેટાબોલિઝમ વધારીને ફેટ બર્ન કરે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલા અભ્યાસ અનુસાર ચોકલેટ વજન ઘટાડે છે.
પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક
જો પ્રેગ્નન્સી દરમિયાન ચોકલેટ ખાવામાં આવે તો તે આવનારા બાળક માટે ફાયદાકારક રહે છે. એક સંશોધન અનુસાર, પ્રેગ્નન્સી દરમિયાન જો મહિલા ચોકલેટ ખાય તો તેનો તણાવ ઓછો થાય છે. આ સાથે તેનાં બાળક માટે પણ ચોકલેટ ફાયદાકારક સાબિત થાય છે.