વિશ્વ : કોરોનાએ વધાર્યો દેહવ્યાપાર, હવે રોબોટ આપી જશે કરિયાણું

0
8

દુનિયાભરમાં કોરોનાએ મહામારીએ કહેર વરસાવ્યો છે. મહામારીને કારણે તો લોકો ટપોટપ મરે જ છે, પણ એને કારણે સર્જાયેલી સમસ્યાઓથી માણસો જીવતેજીવ નર્કાગાર જેવી સ્થિતિનો સામનો કરે છે. મેક્સિકો સહિત દુનિયામાં અનેક સ્થળે આ મહામારીએ લોકોને પાયમાલ કર્યા છે, જેને કારણે મહિલાઓની હાલત કફોડી બની છે. મેક્સિકોમાં મહામારીને કારણે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે અનેક મહિલાઓ દેહવ્યાપાર તરફ વળી છે. સ્થિતિ એવી છે કે જે મહિલાઓ અગાઉ આ દેહવ્યાપારના વ્યવસાયને છોડી ચૂકી હતી, તેઓ હવે ફરીથી એમાં જોતરાઈ રહી છે. આંખમાં આંસુ સાથે પોતાના દેહનો વેપલો કરવા મહિલાઓ મજબૂર બની રહી છે.

રોબોટ લાવશે તમારા માટે કરિયાણું

દુનિયાભરમાં હાલમાં કોરોનાવાયરસનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે મોટા ભાગના લોકો એકબીજાથી સુરક્ષિત અંતર જાળવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સિંગાપોરની એક કંપનીએ એવી પહેલ કરી કે જેની પ્રશંસા થઇ રહી છે. સિંગાપોરની ઓટીએસએડબ્લ્યુ ડિજિટલ ટેક્નોલોજી કંપનીએ કરિયાણાની હોમ ડિલિવરી કરતું રોબોટ વિકસાવ્યું છે. આ રોબોટનું નામ કેમેલો રખાયું છે.

ફરી ધરતીએ ઓક્યો ઊકળાટ

સેન્ટ વિન્સેન્ટ ખાતે પૂર્વીય કરેબિયન આઈલેન્ડ પર કિંગ્સટાઉનમાં દાયકાઓથી સુષુપ્ત રહેલો જ્વાળામુખી અચાનક સક્રિય થયો છે. સક્રિય થવાની સાથે જ આ જ્વાળામુખીએ ઊંચે સુધી રાખ ઓકવાનું શરૂ કરતાં આસપાસનાં ગામો, ઘરો અને રસ્તાઓ પર રાખનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જ્વાળામુખી સક્રિય થતાં મોટા પ્રમાણમાં લોકો સ્થળાંતર પણ કરી રહ્યા છે.

દુનિયાભરમાં ફોટોગ્રાફીની અજબ-ગજબ સ્પર્ધાઓ યોજાતી રહે છે. આવી જ એક ઈવેન્ટ એટલે ‘ઈલેક્ટ્રિક ફોટોગ્રાફી: ઈન્ટરનેશનલ સ્ટોર્મ ફોટો કોન્ટેસ્ટ’. આ સ્પર્ધામાં બે જ કેટેગરી હોય છે, ફોટોગ્રાફર ઓફ ધ યર અને ફોટો ઓફ ધ યર. આ સ્પર્ધા માટે વિવિધ પ્રકારનાં વાવાઝોડાંને લગતી તસવીરો મોકલવાની હોય છે. એમાં વાવાઝોડા વખતે દેખાતી વીજળી, ફૂંકાતો પવન, વરસાદની જેમ ધરતી પર પડતી વીજળી, ધૂળની ડમરીઓ અને દરિયામાં ઊઠતાં વમળો એમ કશું પણ મોકલી શકાય. આ વર્ષનો ફોટો ઓફ ધ યરનો અવૉર્ડ અમેરિકાના સ્ટોર્મ ચેઝર સ્કોટ પેકને મળ્યો છે. અમેરિકાના મિનેસોટામાં તેમણે ક્લિક કરેલી તસવીરની ખાસિયત એ છે કે એમાં ટોર્નેડો અને રેઈનબો બંને દેખાય છે. આ ઉપરાંત તેમાં ધસમસતા આગળ વધતા ગોળાકાર ટોર્નેડોની ગતિ પણ જોઈ શકાય છે. એવી જ રીતે, ફોટોગ્રાફર ઓફ ધ યરનો અવૉર્ડ ન્યૂ મેક્સિકોના ફોટોગ્રાફર ટિમ બાકાને ફાળે ગયો છે. બાકાએ ઓક્લાહોમાના ન્યૂ કોર્ડેલમાં વાવાઝોડા પહેલા સર્જાયેલા મહાકાય વરસાદી વાદળની તસવીર ક્લિક કરી હતી. જ્યુરીએ આ તસવીરને ‘વરાઈટી ઓફ કોમ્પોઝિશન’ માટે વખાણી હતી. આ સિવાય પણ અહીં 2020ની આ કોન્ટેસ્ટની કેટલીક ચુનંદા તસવીરો રજૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here