આ વર્ષે 50 ઓવર વર્લ્ડ કપ ભારતની ધરતી પર આયોજન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તેનું આયોજન ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ દરમિયાન કરવામાં આવશે. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જ્યારે આ ક્વોલિફાયર દ્વારા બે ટીમો વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. આ ઉપરાંત 10 ટીમોને પાંચ-પાંચ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ઝિમ્બાબ્વે ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ, નેધરલેન્ડ, નેપાળ અને અમેરિકાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને યુએઈની ટીમો છે. ICCના શેડ્યૂલ મુજબ, તમામ ટીમો ગ્રૂપ સ્ટેજમાં એક-બીજા સામે રમશે અને ત્યારબાદ દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો સુપર સિક્સ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. સુપર સિક્સ સ્ટેજમાં તેઓ એવી ટીમો સામે રમશે જેમાંથી તેઓ ગ્રુપ સ્ટેજમાં રમ્યા નથી. આ ઉપરાંત સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચનારી ટીમોને તેમના ગ્રુપમાંથી આ સ્ટેજમાં પહોંચનારી ટીમો સામે પ્રથમ તબક્કાની જીતના પોઈન્ટ પણ મળશે. ફાઇનલમાં પહોંચનારી બંને ટીમો વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થશે. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જ્યારે આ ક્વોલિફાયર દ્વારા બે ટીમો વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.
ICC શેડ્યૂલ મુજબ ટૂર્નામેન્ટની મેચો બુલાવાયોમાં ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ અને બુલાવાયો એથ્લેટિક ક્લબ અને હરારેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ અને તાકાશિંગા ક્રિકેટ ક્લબમાં રમાશે. આ ક્વોલિફાયર રાઉન્ડમાં કુલ 34 મેચો રમાશે. જ્યારે 9 જુલાઈએ ફાઈનલ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાનમાં રમાશે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ઝિમ્બાબ્વેની ટીમ નેપાળ સામે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમશે. નેપાળની નજર પ્રથમ વખત 50 ઓવરના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા પર હશે. આ સિવાય બે વખત વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો 18 જૂને તાકાશિંગા ક્રિકેટ ક્લબમાં પડોશી દેશ અમેરિકા સામે થશે.