વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરી છે. કોહલીએ ધોનીને ક્રિકેટ લેજન્ડ ગણાવ્યો છે. તેને કહ્યું કે ધોનીને રમતની સમજ અને અનુભવના કારણે જ ટીમ સારી લયમાં છે.
અફઘાન ટીમ વિરૂદ્ધ ધીમી ઈનિંગ માટે થઈ નિંદા થઈ હતી
- અફઘાનિસ્તાન વિરૂદ્ધની મેચમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીમી ઈનિંગ માટે ધોનીની ઘણી નિંદા થઈ હતી. સચિન તેંડુલકરે પણ ધોનીમાં મનોબળની ઉણપ હોવાનું કહી ખરાબ પ્રદર્શન માટે કારણભૂત ગણાવ્યું હતું. જો કે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધની મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટને ટીમને સંકટમાંથી ઉગારતા 61 બોલમાં 56 રન બનાવ્યાં અને ટીમનો સ્કોર 268 સુધી પહોંચાડ્યો હતો.
- મેચ પછી કોહલીએ કહ્યું, ધોની જાણે છે કે મેચ દરમિયાન શું કરવું. કોઈ વખત તેમનો દિવસ ખરાબ હોય તો દરેક લોકો વાતો કરવાનું શરૂ કરી દે છે. અમે હંમેશા તેમની સાથે છીએ. તેમણે ટીમને ઘણી મેચમાં જીત અપાવી છે.
- ધોની જેવા એક ખેલાડી હોવાનો સૌથી વધારે ફાયદો એ હોય છે કે, જ્યારે તમારે 15-20 રન જોઈતા હોય ત્યારે તેમને ખબર હોય છે કે, આ રન કેવી રીતે મેળવવાના છે. તેમનો અનુભવ 10માંથી 8 વખત ટીમને જીતવામાં મદદ કરે છે.
અમે નંબર-1 ટીમ જેવું જ રમી રહ્યા છીએ
ભારતીય ટીમે ગુરુવારે વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડને હરાવીને પહેલુ સ્થાન મેળવી લીધુ છે. આ વિશે કોહલીએ કહ્યું કે, હું ટીમના પ્રદર્શનથી ખૂબ ખુશ છું. પરંતુ જ્યાં સુધી રેન્કિંગની વાત છે તો અમે ઘણાં સમયથી નંબર-1 લાયક જ રમી રહ્યા છીએ. બેટિંગમાં છેલ્લી બે મેચ અમારા માટે એટલી સારી ન રહી તેમ છતા જીતવા માટે અમે ઘણું સારુ કામ કર્યું. આ સૌથી સારી વાત છે.
ધોનીનું સ્ટંપિંગ ચૂકવું સૌથી મોટી ભૂલ- વિન્ડિઝ કેપ્ટન
બીજી બાજુ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટીમના ખરાબ પ્રદર્શન માટે બેટ્સમેનને જવાબદાર ગણાવ્યા. હોલ્ડરે કહ્યું, બોલર્સે આ પિચ પર બોલર્સે સારુ પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા. તે ઉપરાંત ધોનીની સ્ટિંપિંગ ચૂકવુ અમારી એક મોટી ભૂલ હતૂ. તે ઉપરાંત ફિલ્ડિંગમાં પણ અમે ઘણી ભૂલો કરી. હકીકતમાં ધોનીએ જ્યારે આઠ રન કર્યા ત્યારે વિકેટકિપર શાઈ હોપે એક સરળ સ્ટંપિંગ છોડી દીધો હતો.