ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલા 2019નાં વર્લ્ડ કપનો માહોલ તેના ચરમ પર છે. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ 2019ની રેસમાંથી બહાર થઈ ગયા છે. આ ઉપરાંત પાકિસ્તાન સહિત ઘણી ટીમો સેમિફાઇનલમાં બનેલા રહેવા માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી બાસિત અલીએ ટૂર્નામેન્ટને લઇને એક સનસનીખેજ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.
પાકિસ્તનનાં પૂર્વ ક્રિકેટરે વર્લ્ડ કપ 2019 ફિક્સ હોવાનો કર્યો દાવો
પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ દાવો કર્યો છે કે વર્લ્ડ કપ 2019 ફિક્સ્ડ છે. બાસિત અલીનાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ભલે તેની બાકીની મેચો જીતી જાય, પરંતુ તેનું આગળ વધવું ટીમ ઇન્ડિયાનાં પ્રદર્શન પર રહેશે. બાસિતે એ પણ કહ્યું કે ટીમ ઇન્ડિયા જાણી જોઇને બાંગ્લાદેશ સામે અને શ્રીલંકાની સામે ખરાબ રમશે અને આ મેચો હારી જશે. આવામાં પાકિસ્તાન અને આ બંને ટીમો વચ્ચે સેમિફાઇનલની રેસ થશે.
1992માં પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ જાણી જોઇને હાર્યું હતુ
પાકિસ્તાનનાં આ પૂર્વ બેટ્સમેનનાં દાવાથી ખળભળાટ મચી ગયો છે. બાસિત અલીનાં દાવાથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. બાસિત અલીએ કહ્યું કે ટૂર્નામેન્ટ ફિક્સ છે એટલા માટે ઑસ્ટ્રેલિયા પણ ભારત સામે જાણી જોઇને હાર્યું છે. બાસિત અલીએ પોતાની ટીમ સામે જ પ્રશ્નાર્થ કર્યો છે. બાસિત અલીનો દાવો છે કે 1992 વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની ટીમ જાણી જોઇને સેમિફાઇનલમાં હારી હતી.
ભારત બે મેચો હારશે તો પાકિસ્તાન નહીં પહોંચી શકે સેમિ ફાઇનલમાં
આપને જણાવી દઇએ કે પાકિસ્તાને હજુ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે રમવાનું છે. પાકિસ્તાને આ બંને મેચ જીતવી પડશે. તો ભારતે હજુ વેસ્ટઇન્ડીઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. આમાંથી ભારત જો બે મેચ હારે છે તો પાકિસ્તાનની આશાઓ તૂટી જશે. બીજી તરફ ભારતીય ટીમનાં હાલનાં પ્રદર્શનની વાત કરીએ તો બાસિતનો આ દાવો ફક્ત ખોટો જ જોવા મળે છે.