આજે વિનાયક ચોથ : બુધવાર અને ચોથ તિથિના સંયોગમાં ગણેશ પૂજા અને વ્રત કરવાથી કામકાજની મુશ્કેલીઓ દૂર થાય છે

0
10

ગણેશ પુરાણ પ્રમાણે, ચોથ તિથિ ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. હિંદુ પંચાંગ પ્રમાણે આજે સવારે લગભગ 10 વાગ્યા સુધી અષાઢ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ રહેશે. ત્યાર બાદ ચોથ તિથિ શરૂ થવાથી આ દિવસે ભગવાન ગણેશજી માટે વ્રત રાખી શકાશે અને પૂજા કરવામાં આવશે. અનેક જગ્યાએ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથના નામે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે આ વિનાયક ચોથે બુધવારનો શુભ સંયોગ બની રહ્યો છે. તેના પ્રભાવથી આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. બુધવાર અને ચોથ તિથિના આ સંગોમાં ગણેશજીને દૂર્વા અને મોદક ચઢાવવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. આ વ્રતના પ્રભાવથી દાંપત્ય સુખ પણ વધે છે.

વિનાયક ચોથે આ રીતે પૂજા કરો

સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને સાફ કપડા પહેરો. ત્યાર બાદ પૂજા અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લો. પૂજન સમયે શ્રદ્ધા પ્રમાણે સોના, ચાંદી, પીત્તળ, તાંબા અને માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર બાદ સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા અને આરતી કરો. પૂજા કરતી સમયે ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર બાદ ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો.

ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. ત્યાર બાદ લાડવાનો ભોગ ધરાવો. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો. સાંજે ફરીથી ગણેશજીની પૂજા અને આરતી કરો. ત્યાર બાદ જ ભક્તોએ ભોજન કરવું.

વિનાયક ચોથનું મહત્ત્વ

વિનાયક ચોથે શ્રીગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે. એકવાર બપોરે અને એકવાર સાંજે. માન્યતા છે કે, વિનાયક ચોથના દિવસે વ્રક કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચોથ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.