ધરપકડ બાદ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું લેખિત નિવેદન, આ કોઇ સાગરદાણ કૌભાંડ નથી.

0
0

દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર અને બોનસ બાબતે થયેલી કરોડોની ઉચાપત કેસમાં CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આરોપી હતા. જે કેસમાં CID ક્રાઈમે તેમની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ વિપુલ ચૌધરીનું એક લેખિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, આ કોઇ સાગરદાણનું કૌભાંડ નથી. આ કેસ રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે.

વિપુલ ચૌધરીનું શું છે લેખિત નિવેદન

વિપુલ ચૌધરીના લેટરપેડમાં જણાવવામાં આવ્યું છેકે, મહારાષ્ટ્રમાં દૂકાળ સમયે સહાયરૂપે મોકલેલા પશુદાનની રકમ અંદાજીત 22.5 કરોડના 10 ટકા દૂધસાગર ડેરીમાં સાત દિવસમાં જમા કરાવવાની શરતે સહકારી રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલે તા. 8 ઓક્ટોબર 2018ના રોજ કામચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો. તે મુજબ રૂ. 2.25 કરોડ મે ડેરીમાં તા. 16 ઓક્ટોબર 2018ના રોજ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ટ્રીબ્યુનલે રૂ. 22.5 કરોડના વધુ 40 ટકા રકમ જમા કરાવવાની શરતે તા. 29 જુલાઈ 2019ના રોજ કાયમી મનાઈ હુકમ આપ્યો હતો. તે મુજબ બીજા રૂ. 9 કરોડ પણ ઉછીના લઇ મે 20 ઓગસ્ટથી 29 ઓગસ્ટ 2019 વચ્ચે જમા કરાવ્યા છે. આમ કુલ 11.25 કરોડ મે ડેરીમાં જમા કરાવ્યા છે. રૂ. 9 કરોડ જે ઉછીના લીધેલા તે જમીનોનું બાનાખત કરીને પરત કર્યા છે. જમા કરાવેલી રકમ એ વસુલાત નથી અને સહકારી ટ્રીબ્યુનલમાં કેસ હજી ચાલુ છે. આ દુષ્કાળમાં મોકલેલી સહાયની રકમનો મામલો છે, કોઇ નાણાકીય કૌભાંડ નથી.

ડેરીના નાણાંની હેરાફેરીનો અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો

ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગર દાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા કરાવવાના હતા તે રકમમાં ભરપાઈ કરી છે અશોક ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે, વિપુલે એક ષડયંત્ર રચીને આ પ્રકારે ડેરીના નાણાંની હેરાફેરી કરી છે.

કોણ છે વિપુલ ચૌધરી?

વર્ષ 1995માં ભાજપની કેશુભાઈની સરકાર સામે બળવા બાદ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં વિપુલ ચૌધરી ગૃહ પ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. જોકે બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો અને ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here