Xiaomiએ 100W ફાસ્ટ ચાર્જિંગની કરી જાહેરાત, માત્ર 17 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે મોબાઈલ

0
73

જો તમારો મોબાઈલ ફોન માત્ર 17 જ મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય તો ઉતાવળ હોય ત્યારે ખૂબ જ ફાયદો થઈ શકે છે. ચીનની દિગ્ગજ કંપની શાઓમીએ આવા જ પ્રકારની એક ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની ટેસ્ટિંગ કરી છે. હકીકતમાં તે 100W ફાસ્ટ ચાર્જિંગ છે. કંપનીએ દાવો કર્યો છે કે 17 મિનિટમાં 4,000mAhની બેટરી ફુલ ચાર્જ થઈ જશે.

  • 2020માં બજારમાં આવશે સુપર ફાસ્ટ ચાર્જિંગવાળા સ્માર્ટફોન
  • 17 મિનિટમાં જ ફુલ ચાર્જ થઈ શકશે ફોન
  • કંપનીનો દાવો 17 મિનિટમાં 4,000mAhની બેટરી ફુલ ચાર્જ થઈ જશે

ચીનની અન્ય એક કંપની Vivo પણ 120W સુપર ફાસ્ટ ચાર્જિંગ ટેકની ટેસ્ટિંગ કરી રહ્યું છે. વિવો સિવાય ઓપો પાસે પણ VOOC ફાસ્ટ ચાર્જિંગ સોલ્યૂશન છે. શાઓમી આ ટેક્નોલોજીને આગામી વર્ષે તેના ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આપી શકે છે.

હવે બધી જ સ્માર્ટફોન કંપનીઓ ફાસ્ટ ચાર્જિંગનો ફીચર આપે છે

અત્યારે લગભગ બધી જ સ્માર્ટફોન કંપનીઓ ફાસ્ટ ચાર્જિંગનો ફીચર આપે છે. હાલમાં જ ભારતમાં Realmeએ 50W ચાર્જિંગ સપોર્ટ સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ કંપનીએ દાવો કર્યો છે કે 35 મિનિટમાં 4000mAhની બેટરી ફુલ ચાર્જ થઈ જશે.

આ પહેલાં પણ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી લોન્ચ થઈ ચૂકી છે

બીબીકે ઇલેક્ટ્રોનિક્સ હેઠળ આવતી કંપનીઓ ઓપો, વિવો અને વન પ્લસ આ પહેલાં પણ ફાસ્ટ ચાર્જિંગવાળી ટેક્નોલોજીના ફોન લોન્ચ કરી ચૂકી છે. વિવોની વાત કરીએ તો આ કંપનીએ દાવો કર્યો છે કે 4,000mAhની બેટરીને માત્ર 13 જ મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

આગામી વર્ષે મોટાભાગના સ્માર્ટફોન 30 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે

2020ની શરૂઆત સાથે કંપનીઓ ખાસ કરીને ચીનની કંપનીઓ તેમના સ્માર્ટફોનમાં આવી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી શરૂ કરશે. આગામી વર્ષે મોટાભાગના સ્માર્ટફોન 30 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે, કારણ કે શરૂઆતમાં આ ટેક્નોલોજી મોંઘા સ્માર્ટફોનમાં જ મળશે, પરંતુ પછી કંપનીઓ મિડ રેન્જના ફોનમાં પણ આ ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવશે.