ક્રિકેટ કોમેન્ટ : યંગ ધોની 2007માં બોલર્સને કંટ્રોલ કરતો હતો, 2013માં તેણે બોલર્સને પોતાને કંટ્રોલ કરવાની છૂટ આપી: ઈરફાન પઠાણ

0
4

ભારતનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ 2007 T-20 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી, બંને વખતે વિનિંગ ઇન્ડિયન ટીમનો ભાગ હતો. તેણે કહ્યું કે, આ 6 વર્ષ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે ખૂબ બદલાઈ ગયો હતો. પઠાણે સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડ શોમાં કહ્યું કે, ધોની નવો નવો કેપ્ટન બન્યો ત્યારે બહુ જલ્દી ઉત્સાહિત થઈ જતો હતો. જ્યારે તમને પહેલી વખત ટીમને લીડ કરવાની જવાબદારી મળે, ત્યારે આવું થવું સ્વાભાવિક છે.

ટીમ મીટિંગ હંમેશા 5 મિનિટની રહેતી હતી

પઠાણે કહ્યું કે, 2007 હોય કે 2013 ટીમ મીટિંગ હંમેશા નાની રહેતી હતી. પાંચ મિનિટમાં મીટિંગ સમાપ્ત થઈ જતી હતી. એક વસ્તુ જે બદલાઈ એ તે છે કે, 2007માં ધોની સ્ટમ્પ પાછળથી દોડીને બોલરને કંટ્રોલ કરવા જતો હતો. જ્યારે 2013 સુધીમાં તે બહુ શાંત થઈ ગયો હતો અને બોલર પોતે પોતાને કંટ્રોલ કરે તેની છૂટ આપતો હતો. તે આ 6 વર્ષમાં પોતાના અનુભવથી સ્પિનર્સ અને સ્લો બોલર્સ પર ભરોસો કરતા શીખ્યો હતો. તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેણે નક્કી કર્યું હતું કે, મહત્ત્વની ઘડીએ મેચ જીતવા સ્પિનર્સને બોલ આપશે.

ધોની જુલાઈ 2019થી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર

ધોની છેલ્લે 2019ના વનડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં રમ્યો હતો. ત્યારબાદ તે ક્રિકેટથી દૂર રહ્યો છે. ભારતે તેની કપ્તાનીમાં 2007 T-20 વર્લ્ડ કપ, 2010 અને 2016 એશિયા કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.