‘જા ફાંસી લગા કે કુત્તે કી મોત માર જા, મુઝે તેરી કોઈ જરૂરત નહિ…’ પ્રેમિકાના આવા શબ્દોથી લાગી આવતા યુવકે છ પાનાંની બે સૂસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી. આ મામલે રામોલ પોલીસે યુવતીના માતા-પિતા ભાઇ સહિત પાંચ સામે ફરિયાદ નોંધી સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, યુવતી અમદાવાદથી ઉત્તર પ્રદેશ રહેવા જતી રહી હોવા છતા પ્રેમી તેને અવાર નવાર પૈસા મોકલી મદદ કરતો હતો. જો કે, ત્યારબાદ પ્રેમિકા અને તેનો પરિવાર લગ્ન માટે 3 લાખની માંગણી કરી સતત ત્રાસ આપતા હતા.
રામોલ વિસ્તારમાં રહેતા માહતાબને તેમની નજીકમાં રહેતી ફિરદોશ સાથે કેટલાક વર્ષો અગાઉ પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે બે વર્ષ અગાઉ આ ફિરદોશ તેના માતા-પિતા સાથે ઉત્તર પ્રદેશ ખાતે રહેવા માટે ચાલી ગઇ હતી. બાદમાં પણ બંને ફોનથી એકબીજા સાથે વાતચીત કરતા હતા અને ફિરોદોશ તેમજ તેની માતા પ્રેમી યુવક માહતબને ફોસલાવીને તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરતા હતા. માહતાબ પ્રેમ કરતો હોવાથી તે પણ તેઓને અહીંથી પૈસા મોકલતો હતો. જો તેની પાસે ના હોય તો ઉછીના પૈસા લઈને પણ ફિરદોશને ત્યાં મોકલાવતા હતો. જેની જાણ માહતાબના ભાઇને થતાં તેઓ ઉત્તર પ્રદેશ ગયા હતા અને ફિરદોશના પિતાને વાત કરીને તેઓના નિકાહ નક્કી કર્યા હતા.
જો કે, આ દરમિયાન લોક ડાઉન આવી ગયું હતું અને પછી મંદી હોવાને કારણે એપ્રિલ 2021માં તેઓના નિકાહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં કેટલાક દિવસ પછી માહતાબે તેના ભાઇને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ફિરદોશના પિતા તેની પાસે રૂપિયા ત્રણ લાખની માગણી કરી રહ્યા છે. એટલું જ નહીં ફિરદોશના ભાઈઓ પણ તેની પાસે રૂપિયાની માગણી કરી રહ્યા છે અને જો રૂપિયા નહીં આપે તો નિકાહ નહીં થવા દેવાની ધમકી આપી રહ્યા છે. જેને પરિણામે માહતાબ પોતે કંટાળી ગયો હોવાની જાણ કરી હતી.
3 જી ડિસેમ્બરે માહતાબના નાના ભાઈએ તેમના મોટા ભાઇને જાણ કરી હતી કે માહતબે આત્મહત્યા કરી હતી. જેથી તેઓ મહારાષ્ટ્રથી અહીં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપી તરીકે ફિરદોશ પઠાણ, સલમાન પઠાણ, સગીરખાન પઠાણ, સલમાબાનુ પઠાણ અને ઇરફાનનો સમાવેશ થાય છે.
પોલીસે તપાસ દરમિયાન મૃતક પાસે થી છ પાનાંની સૂસાઈડ નોટ પણ મળી આવેલી છે. જેમાં તેમણે લખેલ છે કે તેની પ્રેમિકા કે જેની સાથે તેના નિકાહ થવાના હતા તેણે તેને પૈસા ન આપી શકતા તેણે કહ્યું હતું કે જા ફાંસી લગા કે કુત્તે કી મોત મર જા, મુઝે તેરી કોઈ જરૂરત નહિ.