Wednesday, September 29, 2021
Homeજામનગર : કાલાવડના ખંઢેરા ગામમાં નદીમાં એકાએક પૂર આવતાં યુવક તણાયો, વીડિયો...
Array

જામનગર : કાલાવડના ખંઢેરા ગામમાં નદીમાં એકાએક પૂર આવતાં યુવક તણાયો, વીડિયો વાઇરલ

ગઈકાલે જામનગર જિલ્લામાં જાણે કે આભ ફાટ્યું હોય એમ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ખંઢેરા ગામ પાસેથી વહેતી નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેને કારણે એક યુવક તણાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવક તણાતો હોવાની જાણ થતાં ગ્રામજનો એકઠાં થયાં હતાં અને સહિયારા પ્રયાસથી યુવકને બચાવી લેવાયો હોવાના અહેવાલ છે.

વાહનોને રણુજા તરફ ડાઈવર્ટ કરાયાં

ભારે વરસાદને પગલે ખંઢેરાની નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેને કારણે કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઇવેને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે અને કાલાવડ તરફ આવતાં વાહનોને રણુજા તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યાં છે.

ધોધમાર વરસાદ પડતાં નદી-નાળાં છલકાયાં

જામનગરના કાલાવડ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોધમાર વરસાદ પડવાને કારણે કાલાવડ તાલુકાનાં કેટલાંક ગામોમાં નદી-નાળાં છલકાઈ ગયાં છે. કાલાવડમાં કુંભનાથ પરામાં પણ ગાબડું પડતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.

છતર ગામની નદીમાં JCB તણાયું

કાલાવડ તાલુકાનો બાલંભડી ડેમ ઓવરફ્લો થતાં છતર ગામ પાસેથી વહેતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે એક JCB પૂરના પાણીમાં તણાયું હતું. સદનસીબે ચાલક બહાર નીકળવામાં સફળ રહેતાં એનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

સોગઠી ડેમ ઓવરફ્લો થતાં નરમાણા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા

જામજોધપુરના કલ્યાણપુર ગામ પાસે આવેલો સોગઠી ડેમ ઓવરફ્લો થતાં નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે નદી કાંઠે આવેલા નરમાણા ગામના રસ્તા પર પૂરની માફક ધમમસતા પાણી જોવા મળ્યા હતા.

જોડિયા પંથકમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે વહી

જોડિયા તાલુકાના બાલંભા ગામે છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકયો છે, આથી આજી નદી બે કાંઠે વહેતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી. ભારે વરસાદને પગલે જોડિયા તાલુકાના પંચાયતના માજી પ્રમુખ જેઠાલાલ આઘેરા, સરપંચ ઈશ્વરભાઈ ખોલિયાએ ગામની મુલાકાત લીધી હતી.

ફૂલઝર-1 ડેમ ઓવરફલો, બાલંભડી ડેમ 80 ટકા ભરાતાં ગ્રામજનોને સાવચેત કરાયા

કાલાવડ તાલુકામાં ભારે વરસાદને પગલે ફૂલઝર-1 ડેમ ઓવરફલો થયો છે, આથી ગોલાણિયા, ખંઢેરા, નાગપુર અને વાડીસંગ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તદુપરાંત બાલંભડી ડેમ પણ 80 ટકા ભરાઇ ગયો છે, આથી ડેમની હેઠવાસમાં આવતા કાલાવડ, જસાપર, બાવાખાખરિયા, જીવાપર, સતિયા, સોરઠા, નગાજર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. મોડી સાંજે ફૂલઝર કોટડાબાવીસી ડેમ પણ ભરાઇ ગયો હતો તો વોડીસાંગ ડેમ પણ પૂરેપૂરો ભરાઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments