યુવરાજનો ખુલાસો, ધોનીએ પહેલેથી જ વાસ્તવિકતા જણાવી હતી કે વર્લ્ડ કપમાં તક નહીં મળે

0
0

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજે ખુલાસો કર્યો હતો કે 2019ના વર્લ્ડ કપ અગાઉ ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ પહેલેથી જ કહી દીધું હતું કે પસંદગીકારો તારા અંગે વિચાર કરતા નથી. આમ યુવરાજને પહેલેથી જ ખબર હતી કે તેને ઇંગ્લેન્ડમાં યોજાનાર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે પસંદ કરવાનો નથી.

યુવરાજે 2017માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ વખતે ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું હતું. તે વખતે તેણે 11 વન-ડેમાં 372 રન બનાવ્યા હતા. તેમાં તેણે કટક ખાતે ઇંગ્લેન્ડ સામે 150 રન ફટકાર્યા હતા. યુવીએ જણાવ્યું હતું કે મેં પુનરાગમન કર્યું ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ મારું સમર્થન કર્યું હતું. જો તે સપોર્ટ કરતો નહીં તો હું પરત ફરી શક્યો ન હોત.

જોકે મહેન્દ્રસિંહ ધોની એ વ્યક્તિ છે જેણે મને કહી દીધું હતું કે 2019ના વર્લ્ડ કપ માટે પસંદગીકારો તારો વિચાર પણ કરતા નથી. તેણે કહ્યું કે તેની કારકિર્દી ઘડવામાં ધોનીનું યોગદાન છે. 2017માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ તેની કારકિર્દી પૂરી થઈ ગઈ હોવાનું મનાતું હતું ત્યારે ધોનીએ જ તેની કારકિર્દીને લઈને વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો હતો.

તેણે ઉમેર્યું હતું કે 2011ના વર્લ્ડ કપના શાનદાર દેખાવ બાદ ધોનીને મારી ઉપર ભરોસો હતો પરંતુ ત્યાર બાદ કેન્સરની સારવારમાંથી પરત ફર્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. 2015માં યુવરાજ ભારતીય ટીમમાં ન હતો.

યુવરાજે કહ્યું કે એક કેપ્ટન તરીકે તમે દરેક બાબતોને યોગ્ય ઠેરવી શકતા નથી કેમ કે અંતે તો એ જોવાનું છે કે ટીમ કેવો દેખાવ કરી રહી છે. યુવરાજે ઉમેર્યું તે ધોનીએ જ મને કહ્યું કે તે જે કરી શકે તેમ હતો તે તેણે કર્યું જ છે પણ ઘણી વાર કેપ્ટન તરીકે તમે તમામને સંતોષ આપી શકતા નથી દુનિયાભરના સુકાનીઓ પોતાના ખેલાડી માટે લડત આપતા જ હોય છે. ધોનીની આગેવાની હેઠળ ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજે શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here