અમદાવાદઃ ગત 25 જુલાઈએ વિસનગર કોર્ટે રાયોટિંગ કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા આપી હતી. ત્યાર બાદ જણાવ્યું હતું કે, હા હું લોકસભા ચૂંટણી લડીશ. આમ 6 મહિના બાદ હાર્દિક લોકસભા લડે એવી વાત સાચી પડવા જઈ રહી છે. સૂત્રો મુજબ, લોકસભા ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલે 2 ફેબ્રુઆરીએ પાસના દરેક જિલ્લાના કન્વીનરોની મીટિંગ બોલાવી હતી. જેમાં કેન્દ્રએ આપેલા ઈબીસી અનામત બાદ પાટીદાર અનામત આંદોલન પર મુકાયેલા પૂર્ણ વિરામ અને ઘટી રહેલા જનસમર્થનને લઈ ચર્ચા થઈ હતી. તેમજ લોકસભા લડી ફરીવાર જનસમર્થન હાંસલ કરવા અને કયા પક્ષમાં જોડાવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કોંગ્રેસથી દૂર રહેવા લાગેલો હાર્દિક ભાજપમાં ભળી શકે છે
હાર્દિક પાસે ભાજપ કે કોંગ્રેસ બે જ વિકલ્પ
હાર્દિક કયા પક્ષમાંથી લોકસભા ચૂંટણી લડે તે અંગે હજુ ભલે રહસ્ય અકબંધ હોય. પરંતુ એક વાત તો નક્કી જ છે કે, તે ભાજપ કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે, કારણ કે ગુજરાતના મતદારો મુખ્ય બે પક્ષોને જ સ્વીકારે છે. જેથી હાર્દિકે આપ કે એનસીપી જેવા પક્ષોમાંથી ચૂંટણી લડવાને બદલે ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઈ એકની જ પસંદ કરવી પડે એવી સ્થિતિ છે.
અન્ય પક્ષમાંથી લડે તો ડીપોઝીટ ડુલ થઈ શકેઃ પાસનો સર્વે
જો હાર્દિક અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડે તો તેની ડીપોઝીટ પણ ડુલ થાય એવો એક સર્વે પાસ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી હાર્દિક પટેલ ગુજરાતની બે મુખ્ય રાષ્ટ્રીય પાર્ટી પૈકી એકમાંથી ચૂંટણી લડશે. પરંતુ હાલ હાર્દિક પટેલે કોંગ્રેસથી થોડી દૂરી બનાવી છે, કારણ કે વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિકે કોંગ્રેસ સાથે મળીને પોતાના પસંદગીના વ્યક્તિઓને ટીકીટ અને પાટીદારોને અનામત આપવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ કોંગ્રેસ હાર્દિક સાથેના ગઠબંધનમાં નિષ્ફળ રહી હતી. આમ તે ભાજપમાં પ્રવેશે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે.
કેન્દ્રએ EBC અનામત આપતા આંદોલન પર પૂર્ણવિરામ
હાર્દિક પટેલ અનામત આંદોલનના નેતા તરીકે સાડા ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે 10 ટકા ઈબીસી અનામત આપતા હાર્દિકના અનામત આંદોલન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને હાર્દિક પટેલ જે પાટીદારોના નેતા તરીકે ઉભરી આવ્યો હતો તે જ પાટીદારોમાં હાર્દિક હાલ જનસમર્થન ગુમાવી ચૂક્યો છે.
ખેડૂતો-યુવાઓના નામે ફરી લોકજુવાળ ઉભો કરવામાં નિષ્ફળ
આમ હાર્દિક પાસે હવે કોઈ મુદ્દો ન રહેતા હાર્દિકે ખેડૂતો અને યુવાઓના નામે ફરીવાર લોકજુવાળ ઉભો કરવાનો પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળતા મળતા પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા હાર્દિકે મમતા બેનર્જી અને અખિલેશ યાદવ જેવા નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. પરંતુ તેમાં પણ તેને વધુ મહત્વ મળ્યું નહીં. તેથી અંતે હાર્દિક પટેલે ફરીવાર ગુજરાતના રાજકારણના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.