ઝાયડસ કેડિલાના શેરને કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ, 2020માં સ્ટોકનો ભાવ 80% વધ્યો

0
5

કોરોના વાઇરસની અસર અન્યોને ભલે નકારાત્મક થઈ હોય, પણ દેશની અગ્રણી ફાર્મા કંપની ગુજરાતની ઝાયડસ ગ્રુપની દવાનું ઉત્પાદન કરતી લિસ્ટેડ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડને આનો ઘણો ફાયદો થયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં, એટલે કે 2020 દરમિયાન આ કંપનીનો શેર 80% જેટલો વધી ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઝાયડસ ગ્રુપની આ કંપનીનો સ્ટોક વર્ષની શરૂઆતથી જ રોકાણકારોની નજરમાં આવી ગયો હતો, જયારે તેણે કોરોના વેક્સિન બનાવવા અંગેની જાહેરાત કરી હતી. માર્કેટ એનાલિસ્ટ્સના મતે કેડિલા હેલ્થકેરનો સ્ટોક હજુ પણ આગળ જઈ શકે છે.

પાંચ વર્ષનો સૌથી વધુ ગ્રોથ થયો 2020માં…

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેટા મુજબ, કેડિલા હેલ્થકેરના શેરમાં જે ગ્રોથ 2020માં જોવા મળ્યો છે તેવો ગ્રોથ પાછલા પાંચ વર્ષમાં થયો નથી. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં આ શેર રૂ. 265.35 હતો, જે ડિસેમ્બર આવતા સુધીમાં 79.51% વધીને રૂ. 476.35 પ્રતિ શેર થઇ ગયો છે. જાન્યુઆરી 2019માં શેર 20.32% ઘટ્યો હતો, જયારે 2018માં 18.18% નીચો આવ્યો હતો. 2016 અને 2017માં આ શેર અનુક્રમે 16.91% અને 24.15% વધ્યો હતો.

કેડિલા હેલ્થકેરનો સ્ટોક 600 સુધી જઈ શકે છે…

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટએ જણાવ્યું હતું કે ઓવરઓલ જોઈએ તો છેલ્લાં 5-7 વર્ષથી ફાર્મા સેક્ટરમાં કોઈ મોટી મૂવમેન્ટ આવી નથી. આ વર્ષમાં કોરોનાને કારણે ઝાયડસ કેડિલા જેવી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની સારી કંપનીઓને ઘણો ફાયદો થયો છે. હાલની સ્થિતિએ કેડિલા હેલ્થકેરનો સ્ટોક રૂ. 600 સુધી વધી શકે છે. આવનારા સમયની માગને જોઇને રોકાણકાર અત્યારે હેલ્થ સેક્ટર પર ફોકસ કરી રહ્યા છે. વેક્સિન અને અન્ય દવાઓને કારણે ઝાયડસ કેડિલા આ રેસમાં આગળ છે, જેથી તેમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે.

ઝાયડસ વેલનેસનો શેર પણ 28.41% વધ્યો…

BSEના આંકડા મુજબ, ઝાયડસ ગ્રુપની કન્ઝ્યુમર વેલનેસ કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડના શેરનો ભાવ પણ 2020 દરમિયાન 28.41% જેટલો વધ્યો છે. BSE પર જાન્યુઆરીમાં આ કંપનીના શેરનો ભાવ રૂ. 1502.40 હતો, એ ડિસેમ્બરમાં રૂ. 1929.30 થયો છે. ગત વર્ષની તુલનાએ આ શેરના ભાવમાં લગભગ બમણો ગ્રોથ થયો છે.

વર્ષ જાન્યુઆરી ડિસેમ્બર ફેરફાર
2016 747.1 860.7 15.20%
2017 865.35 1041.2 20.32%
2018 1000.65 1362.8 36.19%
2019 1275.95 1470.7 15.26%
2020 1502.4 1929.3 28.41%


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here