આમોદનો નેશનલ હાઈવે નંબર 64 હવે વાહનચાલકો માટે ‘મોતનો હાઇવે’ બની રહ્યો છે. આજે ફરી એક ટ્રક આ હાઇવે પરના ખાડામાં ફસાઈ ગઈ, જેણે તંત્રની બેદરકારી અને ઉદાસીનતાને ખુલ્લી પાડી છે. આ ઘટના રોજિંદી બની ગઈ છે, તેમ છતાં સત્તાધીશો કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઇવેની બિસ્માર હાલતને કારણે રોજ અનેક વાહનો ફસાય છે. અને અકસ્માતો થાય છે. આજે ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. જેના કારણે ટ્રાફિકજામની મોટી સમસ્યા સર્જાઈ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. ટ્રક માલિકને આર્થિક નુકશાની પણ થઈ. આ કોઈ એક દિવસની વાત નથી. ગતરોજ પણ આ જ જગ્યાએ એક ટ્રક અને બે કાર ખાડામાં ફસાઈ હતી.

આમોદના વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, આટલા મોટા પાયે અકસ્માતો અને હાલાકી છતાં, તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો જીવ જશે ત્યારે જ આ રસ્તાનું સમારકામ થશે? આ નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો લોકોના જીવ જોખમમાં છે. સ્થાનિક તંત્ર અને સરકારે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ હાથ ધરવું જોઈએ અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે, તો આગામી દિવસોમાં આનાથી પણ ગંભીર પરિણામો આવી શકે છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

