ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વાગરા તાલુકાના દહેજ ખાતે એક વધુ ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કરની અડફેટમાં આવતા મોટરસાયકલ સવાર ૧૬ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, દહેજના ટાવર ફળિયામાં રહેતા સંજયભાઈ માધવભાઈ વાળંદ તેમના સાઢુના દીકરા, ૧૬ વર્ષીય હિમાંશુ સાથે મોટરસાયકલ પર નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઈને પરત ફરતી વખતે, એક ટેન્કરે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર ટક્કરમાં માસા-ભાણેજ બંને મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા. કમનસીબે, હિમાંશુ ટેન્કરના વ્હીલ નીચે આવી ગયો, જેના કારણે તેનું માથું છુંદાઈ ગયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ દહેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ભરૂચ જિલ્લામાં વધી રહેલા અકસ્માતોને કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે. આ અગાઉ, ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટમાં લેતા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

