નર્મદામૈયા બ્રિજ પર ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો લઈને પૂરપાટ ઝડપે જઈ રહેલા એક બાઈક ચાલકે અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત મુજબ, એક અજાણ્યા બાઈક ચાલકે બીજા બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આરોપીના બાઈક પર રહેલો ₹4,800ની કિંમતનો 24 લિટર દેશી દારૂનો જથ્થો રસ્તા પર પડી ગયો હતો, અને તે દારૂનો જથ્થો છોડીને ભાગી ગયો હતો.
પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ બાઈક પરેશ મંગાભાઈ વસાવા (રહે. સામોર) નામના વ્યક્તિનું છે. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

