અંકલેશ્વર રૂરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આઇસર ગાડી પેપ્સી કંપનીમાં ચલાવતા ફરિયાદી અને સાહેદને ગાડી ન ફેરવવાની અદાવત રાખીને આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો.

આરોપી પોપટભાઈ અલગોતર અને અન્ય ચાર આરોપીઓએ એકસંપ થઈ, લોખંડનો પાઇપ, કુહાડી તથા લાકડી જેવા પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હતી.
તેમણે ફરિયાદી, સાહેદ માલાભાઈ અને વાલાભાઈ પર મારી નાખવાના ઇરાદે માથાના અને શરીરના ભાગે હુમલો કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. પોલીસે તમામ પાંચ આરોપીઓ – (૧) પોપટભાઈ અલગોતર, (૨) ઘુઘાભાઈ અલગોતર, (૩) ગગજીભાઈ અલગોતર, (૪) મનોજભાઈ ઉર્ફે મનાભાઈ અલગોતર, અને (૫) ગોપાલભાઈ અલગોતર (તમામ રહે. મોમાઈ નગર, નવાગામ કરારવેલ સીમ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

