ગુજરાતના ખેડુતોની સમસ્યાઓને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગત 6 નવેમ્બરથી સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.આ યાત્રા આજે જામનગર જિલ્લાના રાવલ ખાતે પહોંચી હતી જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું કે સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા કાલે દ્વારકા પહોંચશે, છતાં પણ સરકાર હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે કેન્દ્ર અને રાજ્ય બંનેની ભાજપ સરકારને હું કહેવા માગું છું કે જો તેઓ ઊંઘમાંથી નહીં જાગે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તથા દેવા માફી અંગે યોગ્ય નિર્ણય નહીં લે, તો આંદોલન અટકશે નહીં કોંગ્રેસની આ લડત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બનશે.

ખેડુત આક્રોશ યાત્રાને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં સરકારની નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે સરકારે 10 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી પરંતુ હકીકતમાં ખેડૂતને પેકેજના નામે પડિકું આપ્યું છે પેકેજથી ખેડૂતને વિધે ફક્ત 3500 રૂપિયા મળશે ત્યારે ખેડુત આત્મહત્યા ન કરે તો શું કરે?
ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે, એટલે કે એક ખેડૂતના માથે 56 હજાર રૂપિયાનું દેવું છે.માવઠાના કારણે આખો પાક બરબાદ થઈ જાય અને એની સામે વિધે ફક્ત 3500 રૂપિયા મળે તો એ ખેડૂતનો ઉપહાસ છે.

સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા માટે તૈયાર નથી ઉદ્યોગપતિઓ માટે તિજોરી ખુલ્લી છે પરંતુ ખેડૂતો માટે કેમ નહિ ? માવઠાના નુકસાન પછી ખેડૂતો આશા રાખી રહ્યા હતા કે સરકાર મદદ કરશે, પરંતુ સરકારે મદદની જગ્યાએ ફક્ત ફોટોગ્રાફી કરી અને પેકેજના નામે પડિકું આપ્યું.આ જુઠ્ઠું બોલવાવાળી, દંભી સરકાર છે.
યાત્રાની શરૂઆતમાં સોમનાથ દાદાના ચરણોમાં કોંગ્રેસે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી પાક વીમા યોજના યોગ્ય રીતે લાગુ નહીં થાય, દેવા માફ નહીં થાય અને ખોટી જમીન માપણી રદ નહીં થાય ત્યાં સુધી આ લડત અટકવાની નથી કાલે યાત્રાનું દ્વારકામાં સમાપન છે અને ત્યાં પણ એ જ સંકલ્પ લઈશું કે ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે અને ખેડુતોને હું આ વિશ્વાસ હું અપાવું છું.

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતની એક જ ઈચ્છા છે અમારું દેવું માફ કરો જો સરકાર પાસે ઈચ્છાશક્તિ હોય તો બધું શક્ય બને 2008માં મનમોહનસિંહજીની કોંગ્રેસ સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને 71 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું 1987-88માં સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો ત્યારે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા. તેમણે ઢોરવાડા ગામે ગામ ખોલાવ્યા હતા, ઢોરોને ખવડાવવા માટે સૂકી શેરડી પહોંચાડવામાં આવી હતી અને એકપણ ખેડૂતને મરવા દીધો ન હતો.
આજે ખેડૂતો રડી રહ્યા છે, આત્મહત્યાના માર્ગે જઈ રહ્યા છે, પણ ભાજપ સરકાર આંખ મીંચીને બેસી છે તેથી હવે સમય આવી ગયો છે કે હાલની સરકાર બદલી નાખવી જોઈએ વધુમાં વિધાનસભામાં ભલે ફક્ત 12 ધારાસભ્યો છીએ, પરંતુ આ 12 એવા ધારાસભ્યો છીએ કે સરકારના 12 વગાડી દે તેવી હિંમત ધરાવીએ છીએ આ યાત્રા ભલે અહીં પૂરી થાય, પણ આ લડાઈને હવે ગાંધીનગર સુધી લઈ જઈશું.
આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિક, CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, દ્વારકાના જિલ્લા અધ્યક્ષ શ્રી પાલભાઈ આંબલિયા તેમજ વરિષ્ઠ નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

