ઓસ્ટ્રેલિયામાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. 92 વર્ષના ડોક્ટર જૉન લેવિન અને તેમની 37 વર્ષની પત્ની ડોક્ટર યાનયિંગ લુ માતા-પિતા બન્યાં છે. ડોક્ટર જૉન કહે છે કે જો સ્વસ્થ લાઈફસ્ટાઈલ હોય તો 92 વર્ષની વયે પિતા બની શકાય છે. કોઈ અવરોધ આવતો નથી. જૉન લેવિન એન્ટી એજિંગ દવાઓના નિષ્ણાત છે અને ખુદ પણ એવી દવાઓનું સેવન કરે છે.

ડૉ. જૉન લેવિનની પ્રથમ પત્નીનું 57 વર્ષની વયે નિધન થયું હતું. એ પછી એકલતા અનુભવતા ડૉ. લેવિને કશુંક નવું કરવા માટે મેંડરિન ભાષા શીખવાનું શરૂ કર્યું. ચીની મૂળની ડૉ. યાનયિંગ લુ તેમને મેંડરિન ભાષા શીખવવા આવતી હતી. ડૉ. લેવિન જોઈએ એવી મેંડરિન તો ન શીખી શક્યા, પરંતુ બંનેને પ્રેમ થયો અને 11 વર્ષ પહેલાં 81 વર્ષના ડૉ. લેવિને 26 વર્ષની યાનયિંગ સાથે 2014 માં લગ્ન કર્યા.શરૂઆતના વર્ષોમાં તેમણે સંતાન માટે વિચાર્યું ન હતું, કારણ કે ડૉ. લેવિનને પ્રથમ પત્નીથી પણ સંતાનો છે અને તેમનો મોટો દીકરો 65 વર્ષનો છે. જોકે, યાનયિંગને ૨૦૨૦ની મહામારી પછી વિચાર આવ્યો કે ડૉ. લેવિનથી તેમને એક સંતાન જોઈએ છે, જેથી ભવિષ્યમાં તેને અકલતા ન લાગે. આખરે બંનેએ એ અંગે આયોજન કર્યું અને આઈવીએફ ટેકનોલોજીની મદદ લેવાનું નક્કી કર્યું. થોડા સમય પહેલાં જ ડૉ. લેવિનના સૌથી મોટા દીકરા ગ્રેગનું નિધન થયું, એના થોડા માસ પછી આ દંપતીને ત્યાં દીકરાનો જન્મ થયો. તેણે એનું નામ ગૈબી રાખ્યું છે.
દંપતી જ્યારે બાળકને લઈને બહાર નીકળે છે તો લોકો ડૉ. લેવિનને બાળકના દાદા સમજી બેસે છે, પરંતુ ડૉ. લેવિનને લોકોના મતની ખાસ પરવા નથી. તેમણે તો આ એક બાળકના જન્મ બાદ બીજા બાળક માટે પણ આયોજન શરૂ કર્યું છે. ડૉ. લેવિન એન્ટી એજિંગ એક્સપર્ટ છે. ખુદ એન્ટી એજિંગની દવાઓ લે છે. વધતી ઉંમર પિતા બનવા માટે અવરોધરૂપ નથી એમ માનતા ડૉ. લેવિન કહે છે કે સ્વસ્થ લાઈફ સ્ટાઈલ હોય, ધુ્રમ્રપાન ન કરતા હોય કે દારુનું સેવન ન કરતા હોય તો તમે કોઈ પણ ઉંમરે પિતા બની શકો છો. તેમને તો દીકરાના ૨૧મા જન્મ દિવસ સુધી હયાય રહેવાની પણ ઈચ્છા છે.

