નિમેટા પ્લાન્ટ ખાતે પાણીની પાઇપની કામગીરી લાંબી ચાલવાની હોવાને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ જોવા મળ્યો છે.પાણી માટે વલખાં મારતા લોકો ટેન્કરોને શોધવા નીકળતાં ફાયર બ્રિગેડને પણ નાકે દમ આવી ગયો હતો.

કોર્પોરેશનના પાણી પુરવઠાના નિમેટા પ્લાન્ટ-૨માં લાઇનને આજવાની લાઇન સાથે જોડવા માટેની કામગીરીને કારણે તા.૨૫મીએ સાંજથી પૂર્વ વિસ્તારમાં આજવારોડ,ડભોઇ રોડ,વાઘોડિયારોડ,મહેશ કોમ્પ્લેક્સ,દંતેશ્વર, બાપોદ સહિતના વિસ્તારોમાં પાણી વિના લોકો પરેશાન થઇ ગયા છે.
કોર્પોરેશન દ્વારા પાણીનો સંગ્રહ કરી લેવા અને કરકસરથી પાણી નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.પરંતુ પાણી જ પુરતું આવતું નથી તો લોકો સંગ્રહ કેવી રીતે કરે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.તો બીજીતરફ પાણીના ટેન્કરોની માગણી વધી જતાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી પાણીના વિતરણની કામગીરી પણ ખોરવાઇ હતી.ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,દરરોજ સરેરાશ ૪૦ જેટલી ટેન્કરોની માગણી હોય છે.પરંતુ છેલ્લા બે દિવસથી પાણીની માગ વધતાં રોજ ૨૦૦ થી વધુ ટેન્કરોના ફેરા મારવા પડે છે.જેને કારણે સ્ટાફ પર પણ ભારણ આવી પડયું છે.
ટેન્કર માટે બબ્બે દિવસનું વેઇટિંગ
પાણીની અછત હોય કે વધુ જરૃર હોય તો કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ચાર્જ વસૂલી ેટેન્કર મારફતે પાણી પુરું પાડવામાં આવે છે.સામાન્ય રીતે છ થી આઠ કલાકના સમયમાં ટેન્કર આવી જતી હોય છે.પરંતુ પૂર્વ વિસ્તારમાં ટેન્કરોની માગ વધતાં બબ્બે દિવસ સુધી વેઇટિંગમાં રહેવું પડે છે.હજી એક બે દિવસ આવી સ્થિતિ રહે તેવી શક્યતા છે.
ગુરૃવારે સાંજે કેટલાક વિસ્તારમાં પાણી મળ્યું,આજથી નિયમિત મળશે
પાણી માટે ઉઠેલી બૂમોને કારણે અને પાણીની લાઇનની કેટલીક કામગીરી પુરી થતાં અને પાણીની કેટલીક ટાંકીઓમાં પાણી ભરાવવાની શરૃઆત થતાં ગુરૃવારે સાંજે કેટલાક વિસ્તારમાં ધીમી ધારે પાણી મળ્યું હતું.જ્યારે,આવતીકાલે શુક્રવારથી નિયમિત રીતે પાણી મળી રહેશે.
