જિલ્લામાં માર્ગ અકસ્માતોના નિવારણ અને માર્ગ સલામતી પ્રત્યે લોકો-વાહનચાલકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપળા ARTO કચેરીના ઇન્સ્પેક્ટર એમ.પી. સુથાર તથા પી.બી. પટેલ દ્વારા જાહેર માર્ગ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન વાહનચાલકો, દુકાનદારો અને માર્ગ પર આવજ-જાવન કરતા સામાન્ય લોકો સાથે સીધો સંવાદ કરીને માર્ગ સલામતીની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી અકસ્માતો સર્જાય છે તેવા ઉદાહરણો આપીને લોકોમાં સાવચેતી રાખવા અપીલ કરી હતી.

વાહન ચલાવતી વખતે હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. નશાની હાલતમાં વાહન ન ચલાવવું, ઓવર સ્પીડિંગ ટાળવી, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવી નાની-નાની બાબતો અપનાવવાથી મોટી જાનહાનિ અટકાવી શકાય છે. તે અંગેની જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન લોકોને માર્ગ સલામતી અંગેના પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પેમ્ફ્લેટમાં સરળ ભાષામાં નિયમો તથા સલાહ દર્શાવવામાં આવી હતી, જેથી દરેક વ્યક્તિ તેને સમજી શકે. ઇન્સ્પેક્ટરએ લોકોને કહ્યું કે “જાગૃતિ અને નિયમોના પાલનથી જ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરી શકાય છે.”
ARTO કચેરી દ્વારા માર્ગ સલામતી માટે સમયાંતરે આવા કાર્યક્રમો કરવામાં આવે છે. જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં લોકો સુધી પહોંચીને તેમને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવે છે. આ અભિયાનથી ખાસ કરીને યુવા વાહનચાલકોમાં શિસ્ત અને જવાબદારી વિકસે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી નાગરિકો અને વાહનચાલકોએ ARTO કચેરીના પ્રયત્નોની પ્રશંસા કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

