વાગરા: નવ મહિનાના બાળકના ગળામાં મચ્છી ફસાતા જીવન જોખમાયું, 108ના EMTની કુશળતાથી મળ્યું નવજીવન

0
37
meetarticle

વાગરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં એક નવ મહિનાના બાળકના ગળામાં રમતા રમતા નાની મચ્છી ફસાઈ જતાં તેના જીવન પર જોખમ તોળાઈ રહ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ ટીમના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સોનલ માલીવાડની સમયસૂચકતા અને કુશળ કામગીરીને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. અને તેને નવજીવન મળ્યું હતું.

ઘટનાની વિગતો મુજબ વાગરામાં એક નવ મહિનાનું બાળક રમતા રમતા અચાનક ગંભીર સ્થિતિમાં મુકાયું હતું. તેના ગળામાં મચ્છી ફસાઈ જતાં તેને લોહીની ઉલટી થવા લાગી હતી. અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. પરિવારે તાત્કાલિક બાળકને વાગરાની CHC ખાતે દાખલ કર્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ રીફર કરવાનો નિર્ણય લેવાયો હતો. માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ જેમાં EMT સોનલ માલીવાડ અને પાઈલટ કૃષ્ણપાલસિંહ રાઠોડનો સમાવેશ થતો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાળકને લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ EMT સોનલ માલીવાડે પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ડૉક્ટર કુરેશીની સલાહ મુજબ સતત 15 થી 20 મિનિટ સુધી બાળકના ગળામાં ફસાયેલી વસ્તુને બહાર કાઢવા માટે “બેક બ્લો” આપતા રહ્યા હતા. આખરે તેમની મહેનત રંગ લાવી અને બાળકના ગળામાં ફસાયેલી મચ્છી સફળતાપૂર્વક બહાર આવી ગઈ હતી. મચ્છી નીકળી જતાં બાળકને શ્વાસ લેવામાં રાહત થઈ હતી. ત્યારબાદ તેને ઓક્સિજન સપોર્ટ અને વાઈટલ મોનિટરિંગ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.જ્યાં તેને વધુ સારવાર આપવામાં આવી હતી. EMT સોનલબેન માલીવાડની સમયસર અને કુશળ કામગીરીની સૌ કોઈએ પ્રશંસા કરી. બાળકના પરિવારે 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો હતો. આ ઘટના એ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ નથી કરતી પરંતુ ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવવાનું પણ મહત્વનું કાર્ય કરે છે.

રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here