લાંબા સમયના વિરામ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે વાગરા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. જોતજોતામાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેણે સમગ્ર પંથકને તરબોળ કરી દીધો છે. ભારે વરસાદને કારણે વાગરાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી. વરસાદની તીવ્રતા એટલી હતી કે, વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી મુક્તિનો અનુભવ કર્યો હતો. સમગ્ર વાગરા પંથકમાં વરસાદી માહોલ જામતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે અને ધરતી પર જાણે જીવનનો નવો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.

આ વરસાદે એક તરફ રાહત આપી છે. તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ છેલ્લો વરસાદ તેમના ઉભા પાક માટે આફત સમાન સાબિત થઈ શકે છે. પાક તૈયાર થઈ ગયો હોવાથી ભારે વરસાદને કારણે તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કપાસ અને અન્ય શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે, જો વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થશે. આથી ખેડૂતો હાલ મુંઝવણમાં છે કે, આ વરસાદ તેમના માટે આશીર્વાદરૂપ છે કે આફતરૂપ.?
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

