વાગરા નગરના જુમ્મા મસ્જિદથી લઈ ડેપો સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આખરે ગામના જ ઉત્સાહી નવયુવાનોએ લાવ્યું છે. આ યુવાનોએ કોઈની રાહ જોયા વિના સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પોતાના ખર્ચે અને પ્રયાસોથી માર્ગ પરના ખાડાઓનું સમારકામ પૂર્ણ કર્યું છે. આ મુખ્ય માર્ગ ઉપર આવેલ ગટરના ઢાંકણા બેસી જવાથી મોટા ખાડા પડી ગયા હતા.

આ ખાડાઓમાં પાણી ભરાતું હોવાથી માત્ર વાહનચાલકો જ નહીં પણ રાહદારીઓને પણ ભારે અગવડતા પડી રહી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે નજીકમાં જ જુમ્મા મસ્જિદ આવેલી છે. નમાઝ પઢવા આવતા શ્રદ્ધાળુઓ જ્યારે માર્ગ પરથી પસાર થતા વાહનોને કારણે ગંદા પાણીના છાંટા ઉડતા ત્યારે ખૂબ પરેશાની થતી હતી. શ્રદ્ધાળુઓની આ મુશ્કેલીને યુવાનોએ ગંભીરતાથી ધ્યાને લીધી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના જાગૃત નવયુવાનોએ સ્વયં બીડું ઉપાડ્યું અને તેમણે જરૂરી સિમેન્ટ અને રેતી સહિતનો માલસામાન ભેગો કરીને જાતે જ ખાડાઓમાં પુરાણ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. યુવાનોની આ સામૂહિક અને પ્રશંસનીય મહેનતના કારણે હવે માર્ગ સંપૂર્ણપણે સમતળ બની જશે. યુવાનોની આ સકારાત્મક અને પ્રેરણાદાયક કામગીરીની સમગ્ર પંથકમાં જોરદાર પ્રશંસા થઈ રહી છે. તેમના આ પગલાથી માત્ર માર્ગની અવરજવર જ સરળ નથી બની. પરંતુ શ્રદ્ધાળુઓને પણ ગંદા પાણીના છાંટાના ત્રાસમાંથી મુક્તિ મળી છે. યુવાનોએ સાબિત કરી દીધું છે કે, સામુદાયિક પ્રયત્નોથી મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ શક્ય છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

