સુરતમાં આપઘાતના બનાવોનો સિલસિલો યથાવત રહેતા સચિનમાં 27 વર્ષનો યુવાન, ગોડાદરાની 28 વર્ષીય મહિલા, ડીંડોલીના 38 વર્ષિય યુવક અને પાંડેસરાના 37 વર્ષિય યુવકે પણ આર્થિક સંકડામણને પગલે જીવન ટુંકાવી લીધું હતું.મૂળ યુપીના વારાણસીનો વતની 27 વર્ષીય સોનુંકુમાર રામબલી ગૌતમ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. સોનુએ ગઇકાલે રાત્રે પોતાની રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

તેની એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એવું લખ્યું કે ‘મને ગભરામણ થાય છે. મારી જીવવાની ઈચ્છા નથી મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી આ પગલું હું મારી મરજીથી ભરું છે.’બીજી ઘટનામાં ગોડાદરાના શ્રીજીનગરમાં રહેતા 28 વર્ષીય જ્યોતિબેન અમરજીત રાઠોડના પતિ છેલ્લા ઘણા સમયથી પથારીવશ રહેતા હતા. રવિવારે સાંજે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ત્રીજા બનાવમાં ડીંડોલી વિસ્તારના બજરંગનગરમાં રહેતા 37 વર્ષિય ગોરખ વીઠ્ઠલ પાટીલે ઘરે હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આર્થિક તંગીને પગલે જીવન ટુંકાવ્યું હોવાનું પરીવારે જણાવ્યું હતું. ચોથા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા 37 વર્ષિય સુદર્શન રામજી પાલ સોમવારે સવારે પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આર્થિક તંગીને પગલે જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

