સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને દિવાળી ટાણે જ બોનસ ચુકવવામાં નહીં આવતા હડતાળ પર જઈ વિરોધ કર્યો હતો તેમજ મનપા કચેરી ખાતે હલ્લાબોલ પણ કર્યો હતો.

સુરેન્દ્રનગર મનપાના વઢવાણ ઝોનમાં ફરજ બજાવતા અંદાજે ૧૦૦થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કોન્ટ્રાકટર આશિષ પટેલ દ્વારા દિવાળી બોનસ ચુકવવામાં નહીં આવતા દિવાળી સારી રીતે મનાવી શકશે નહીં. અગાઉ પણ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ દિવાળી પહેલા બોનસ ચુકવવા સહિતની માંગ સાથે કોન્ટ્રાકટર તેમજ મનપા તંત્રને રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી સફાઈ કામદારોને બોનસ નહીં ચૂકવતા રોષે ભરાયેલા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ દિવાળીના દિવસે જ હડતાળ પર જઈ વિરોધ કર્યો હતો અને મનપા કચેરી ખાતે પણ હલ્લાબોલ કરી રોષ દાખવ્યો હતો. તેમજ જ્યાં સુધી દિવાળી બોનસ ચુકવવામાં નહી આવે ત્યાં સુધી હડતાળ શરુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, મનપા કચેરીમાં રજાનો માહોલ હોવાથી કોઈ ઉચ્ચ અધિકારી હાજર મળી નહીં આવતા કચેરીની લોબીમાં બેસી સફાઈ કામદારોએ વિરોધ કર્યો હતો.

