સુરેન્દ્રનગર સિટી બસના ડ્રાઇવરો અને કંડક્ટરોએ છેલ્લા ત્રણ મહિનાનો બાકી પગાર એક વર્ષથી અનિયમિત વેતન ચૂકવાવા મામલે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનરનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે કે સિટી બસની સુવિધા તા.૧૫/૦૮/૨૦૨૪ થી શરૃ કરવામાં આવી છે અને તેનું સંચાલન એજન્સી કર્મરાજ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર સીટી બસના કર્મચારીઓના જણાવ્યા મુજબ, પગાર ચૂકવવામાં વિલંબ અંગે એજન્સીના અધિકારીઓને પૂછવામાં આવતા તેઓ મહાનગર પાલિકા દ્વારા બિલનું ચુકવણું ન થયું હોવાનો અથવા બિલ પાસ ન થયું હોવાનો જવાબ આપે છે. કર્મચારીઓમાં ઘણી મહિલા કંડક્ટરો પણ સામેલ છે, જેઓ મધ્યમ વર્ગમાંથી આવે છે. સમયસર પગાર ન મળવાને કારણે તેમને પોતાનું ઘર-પરિવાર ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.હાલમાં એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર રૃા.૨૫૦/- પ્રતિ દિન માનદ વેતન આપવામાં આવે છે, જે મોંઘવારીના સમયમાં અત્યંત ઓછું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. વધુમાં, પ્રધાનમંત્રી દ્વારા દરેક કર્મચારીને પીએફ (પ્રોવિડન્ટ ફંડ)નો લાભ આપવાની વાત હોવા છતાં, એજન્સી કર્મરાજ ટ્રાવેલ્સે આજદિન સુધી કોઈ પણ કર્મચારીને પીએફનો લાભ આપ્યો નથી કે પીએફ એકાઉન્ટ પણ જનરેટ કર્યું નથી. આ અંગે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કર્મચારીઓની માગ છે. પગાર વધારાની રજૂઆત અંગે પણ એજન્સીના અધિકારીઓ મહાનગર પાલિકા તરફ દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, કે પગાર વધારો મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે તો જ કરીશું.
સમગ્ર મામલે કર્મચારીઓને પોતાનું શોષણ થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે કમિશનરને તાત્કાલિક દખલગીરી કરી તેમનો પગાર સમયસર ચૂકવાય તેમજ ઁખ સહિતના તમામ કાયદાકીય લાભો મળે તે માટે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. આ વિલંબથી સુરેન્દ્રનગરની સિટી બસ સેવા સાથે જોડાયેલા ડ્રાઈવરો અને કંડક્ટરોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે મહાનગર પાલિકા અને એજન્સી શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

