કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (17 ઓગસ્ટ)ના રોજ બિહારના સાસારામથી તેમની 16 દિવસની અને લગભગ 1,300 કિલોમીટર લાંબી ‘મતદાર અધિકાર યાત્રા’ શરૂ કરી રહ્યા છે. આ યાત્રાને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક દ્વારા આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ‘એક વ્યક્તિ, એક મત’ ના સિદ્ધાંતના રક્ષણ માટે એક મુખ્ય અભિયાન તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. યાત્રા પહેલી સપ્ટેમ્બરે પટનામાં એક મેગા રેલી સાથે સમાપ્ત થશે.
રાહુલ ગાંધીના પ્રહાર…
ભાજપને તમામ નવા વોટરના વોટ મળ્યા એટલે એ લોકો ચૂંટણી જીત્યા. અમે આ મામલે ચૂંટણીપંચની ફરિયાદ કરી પણ કંઈ ના થયું. પછી અમે આ મામલે તપાસ કરી તો જાણ થઈ કે એક વિધાનસભામાં એક લાખથી વધુ વોટ ચોરાયા. આ કારણે જ ભાજપ લોકસભામાં કર્ણાટકની એક સીટ જીતવામાં સફળ રહ્યો. અમે ચૂંટણીપંચથી ઈલેક્ટ્રોનિક ડેટા અને સીસીટીવીની વિગતો માગી તો અમને ના પાડી દેવામાં આવી. આ લોકો બિહારમાં SIR યોજીને નવા મતદારો ઉમેરીને જૂના મતદારોને ડિલીટ કરીને અહીં ફરી વોટ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ.
તેજસ્વી યાદવના પ્રહાર
રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં રેલીને સંબોધતા તેજસ્વી યાદવે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા ગરીબો વિરુદ્ધ મોટું કાવતરું રચવામાં આવ્યું છે. અસ્તિત્વ છીનવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ લોકો વોટ બાદ રેશન અને પેન્શનમાંથી પણ આ લોકો તમારા નામ ડીલિટ કરી નાખશે.
રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ મંચ પર હાજર
‘મતદાર અધિકાર યાત્રા’ની શરૂઆત થઈ ચુકી છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને લાલુ પ્રસાદ યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ બિહાર પહોંચી ગયા છે અને મંચ પર પહોંચી ગયા છે. હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ છે અને સભામાં આરજેડી અને કોંગ્રેસ નેતાઓ આ યાત્રાનું મહત્ત્વ સમજાવી રહ્યા છે.
કોંગ્રેસ અને આરજેડી નેતાઓ યાત્રામાં લેશે ભાગ
કોંગ્રેસ સાંસદો યાત્રા શરૂ કરવા માટે દિલ્હીથી સાસારામ જવા રવાના થયા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મહાગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ તેમાં જોડાશે. આ યાત્રા દ્વારા, વિપક્ષ ‘વોટ ચોરી’ના આરોપો પર સરકાર પર સીધા પ્રહાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
‘મતદાર અધિકાર યાત્રા’ બિહારના 20 જિલ્લાઓમાંથી પસાર થશે, જેમાં ઔરંગાબાદ, ગયા, નવાદા, નાલંદા, શેખપુરા, લખીસરાય, મુંગેર, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, સીતામઢી, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીવાન, છપરા અને આરા જિવા જિલ્લા સામેલ છે. યાત્રાનું ફોર્મેટ રાહુલ ગાંધીએ આ વર્ષની શરૂઆતમાં થયેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની જેમ રાખવામાં આવ્યું છે, જેમાં તે પદયાત્રા અને રોડ ટ્રાવેલ દ્વારા મતદારો સુધી પહોંચશે.
રાહુલ ગાંધીની ‘મતદાર અધિકાર યાત્રા’ પર આરજેડી નેતાઓએ કેન્દ્ર સરકાર પર કડક વલણ અપનાવ્યું છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, બંધારણનો ખતમ નહીં થવા દઇએ, જનતા જાગૃત છે અને ન્યાયની આશા છે. વળી, તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ બંધારણીય સંસ્થાઓનો દુરૂપયોગ કરે છે અને લોકોનો મતાધિકાર છીનવે છે, તેથી આ લડાઈ જરૂરી છે.



