અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજે રવિવાર(7 સપ્ટેમ્બરે) જળબંબાકારની સ્થિતિ છે. જેમાં છેલ્લા 10 કલાકમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠામાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે હરણાવ નદીમાં પાણી આવતા પોળો ફોરેસ્ટમાં અમદાવાદના 6 યુવકો ફસાયા હતા. સમગ્ર મામલે તંત્રને જાણ થતાં યુવકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જળબંબાકાર, સુઈગામમાં 10 ઇંચ વરસાદ
રાજ્યમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 216 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં 10.43 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર, ભાભર, દાંતા સહિતના વિસ્તારોમાં 2-2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મેઘમહેરના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે.
અમદાવાથી પોળો ફોરેસ્ટ ફરવા ગયેલા 6 યુવકો ફસાયા હોવાનું સામે આવ્યું હતું. હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં યુવકો ફસાયા હતા. જોકે, વિજયનગર પોલીસે જંગલના રસ્તેથી 6 યુવકનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.


