સુરેન્દ્રનગર શહેર, લખતર અને ધ્રાંગધ્રામાં દારૃના ત્રણ દરોડામાં દારૃની ૧૦૦ બોટલ ઝડપાઇ હતી. પોલીસના દરોડામાં એક શખ્સ ઝડપાયો હતો જ્યારે બે બુટલેગર નાસી છુટવામાં સફળ રહ્યાં હતા.
લખતર પોલીસે સદાદ ગામ તરફ જતા રસ્તા પર નર્મદા કેનાલ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં વિજયભાઈ નવઘણભાઈ ઝીંઝુવાડીયા (રહે.નાના અંકેવાળીયા)ની તલાસી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૃની એક બોટલ ઝડપી પાડી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. બીજા બનાવમાં સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાસ વિસ્તારમાં દારૃનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે રેઈડ કરી હસીનાબેન મહંમદભાઈ મેરના ઘરેથી દારૃની બે નાની બોટલ મળી આવી હતી જ્યારે મહિલા આરોપી રેઈડ દરમ્યાન હાજર મળી ન આવતા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથધરી છે. ત્રીજા બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પથુગઢ ગામે દારૃ વેચાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી મહેશભાઈ બાબુભાઈ દેગામ(ઠાકરો)ના ઘર પાસે બાવળની આડમાં ઈંગ્લીશ દારૃની ૯૭ બોટલ કિં.રૃા.૩૮,૮૬૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આરોપી મહેશ બાબુભાઈ દેગામા હાજર મળી આવ્યો નહોતો પોલીસે આરોપી વિરૃધ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


