GUJARAT : ભરૂચ-વડોદરા હાઈવેના સમારકામ માટે 15 દિવસનું અલ્ટિમેટમ, સામાજિક કાર્યકરની જળ-અન્ન ત્યાગની ચીમકીથી ચકચાર

0
98
meetarticle

ભરૂચથી વડોદરા તરફ જતાં NH-48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને મોટી ચકચાર મચી છે. ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે. લાંબા સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના માંચ ગામ, વડોદરા જિલ્લાના પોર, અને જાંબુવા તથા બામણગામ જેવા વિસ્તારોમાં આવેલા પુલોની હાલત પણ અત્યંત ખરાબ છે. આ પુલો જોખમી બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે તેમના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી 15 દિવસમાં આ રસ્તાઓ અને પુલોનું સમારકામ શરૂ નહીં થાય તો તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગાંધીનગર ખાતેની NHAIની કચેરી સામે પ્રતિક ઉપવાસ કરશે. તેમણે જળ અને અન્નનો ત્યાગ કરવાની પણ જાહેરાત કરી છે, જે તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે.

વાહનચાલકોની કફોડી હાલત અને માર્ગ અકસ્માતોનું જોખમ : આ માર્ગની બિસ્માર હાલત માત્ર વાહનચાલકો માટે મુશ્કેલી જ નહીં, પરંતુ ગંભીર અકસ્માતોનું જોખમ પણ ઊભું કરે છે. ખરાબ રસ્તાઓને કારણે વાહનોના ટાયર ફાટવા, ગાડીઓ પલટી જવી, અને અચાનક બ્રેક મારવાને કારણે પાછળથી આવતા વાહનો સાથે અથડાવવાની ઘટનાઓ વારંવાર બને છે. ખાસ કરીને રાત્રિના સમયે, જ્યારે ખાડાઓ દેખાતા નથી, ત્યારે અકસ્માત થવાની સંભાવના અનેકગણી વધી જાય છે. આ માર્ગ પર અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ પણ વાહનચાલકોનો કિંમતી સમય બગાડે છે. આમ, માર્ગની હાલત સુધારવી માત્ર સુવિધાનો જ નહીં, પરંતુ પ્રજાની સલામતીનો પણ પ્રશ્ન છે. હવે જોવું એ રહ્યું કે સામાજિક કાર્યકરની આ ચીમકી બાદ તંત્ર પોતાની આળસ ખંખેરીને તાત્કાલિક પગલાં લે છે, કે પછી ‘જેસે થે’ની પરિસ્થિતિ જાળવી રાખે છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા છે.

રિપોર્ટર :સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here