ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ૯મી ઓગષ્ટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, રાજપીપલા ખાતે શાનદાર ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં આદિજાતિ સમાજમાંથી આવતા યુવક-યુવતીઓએ શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી દેખાવ કરનાર તારલાઓ, રમતવીરો, કર્મયોગીઓ તથા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા આદિજાતિ બાંધવોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સહાયની રેપ્લિકા બનાવી લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઈ હતી. વીર બિરસા મુંડા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા મેવાસી ભીલ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે,
નર્મદા જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2024-25માં રૂપિયા 3528 લાખની ગ્રાન્ટમાંથી 1006 કામોની મંજુરી અને 2025-26 માટે રૂપિયા 5842 લાખ ઉપરાંતની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ જિલ્લામાં રૂપિયા 425 લાખના 167 કામો મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં રૂપિયા 182 લાખના 14 કામો હાથ ધરાયા છે, જેમાં વ્યકિતગત દુધાળા પશુ સહાય અને મલ્ટી-પરપઝ શેડનો સમાવેશ થાય છે. ગરૂડેશ્વર ખાતે રૂપિયા 257 કરોડના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ અને રાજપીપલા ખાતે રૂપિયા 341 કરોડના ખર્ચે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે, જે આપણા સૌના માટે ગૌરવ લેવા જેવી બાબત છે. બિરસા મુંડા યુનિવર્સિટીમાં હાલ ત્રણ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે આ વિસ્તારના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન કરે છે.
નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી પ્રવાસન ક્ષેત્રે અનેક તકો ખૂલી છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાના આશયથી રાજ્ય સરકારે ગરૂડેશ્વર તાલુકાના (કોયારી) અને સાગબારા તાલુકાના (સેલંબા) ખાતે રૂપિયા 200-200 લાખના ખર્ચે બે હાટ બજારો તૈયાર કરવામાં આવ્યા છે, જે સ્થાનિક લોકોને ઘર આંગણે વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશો-વસ્તુઓની ઉપલબ્ધિ સાથે સ્થાનિકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં પણ સહાયક બની રહેશે.
રાજ્યમાં આદિજાતિ ખેડૂતો માટે મુખ્યમંત્રી વન અધિકાર ખેડુત ઉત્કર્ષ યોજના કાર્યરત છે. જેમાં નર્મદા જિલ્લામાં 1342 જેટલા આદિજાતિ ખેડુતોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેવી જ રીતે વન અધિકાર અધિનિયમ હેઠળ જિલ્લાના 12423 લાભાર્થી ખેડૂતોને કુલ 17015 હેક્ટર વિસ્તાર જમીનના હક્કપત્રો વિતરણ કરવામાં આવ્યા છે. ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ જિલ્લાના 334 ગામોમાં શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પાણી, વીજળી, રસ્તા સહિતના કુલ 2196 કામો માટે અંદાજિત રૂપિયા 6806 લાખની જંગી રકમને મંજુરી આપવામાં આવી છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



