મહેસાણા જિલ્લામાં ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે, ત્યારે ખેરાલુ તાલુકાના શિક્ષકોના ગ્રુપમાં આવેલી લીંકથી એક સાથે 4 શિક્ષક છેતરાયા છે. ટીચર ઓફ ખેરાલુ નામના વોટ્સએપ ગ્રુપમાં ખેરાલુ તાલુકાના શિક્ષકોનું ગ્રુપ બનાવેલું છે. આ વોટ્સએપ ગ્રુપમાં બેન્ક ઓફ ઈન્ડીયાના નામથી એક મેસેજ આવ્યો અને તેની સાથે એપ્લિકેશનની લીંક આવી હતી.
મોબાઈલ અજાણ્યા સાયબર ક્રિમિનલે હેક કરી લીધો
આ મેસેજ મૂળ ઊંઝા તાલુકાના કહોડા ગામમાં રહેતા અને ખેરાલુ તાલુકાના મંડાલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભારતીબેન ગુર્જરે ઓપન કર્યો હતો. જોકે મેસેજ અને લીંક ઓપન કર્યા બાદ તેમણે મેસેજને નજર અંદાજ કર્યો હતો, પરંતુ આ શિક્ષિકા ભારતીબેનનો મોબાઈલ અજાણ્યા સાયબર ક્રિમિનલે હેક કરી લીધો હતો. શિક્ષિકાનો મોબાઈલ હેક કર્યા બાદ સાયબર હેકરે 186 વાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 9.65 લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી.
બેન્ક ઓફ ઈન્ડિયાના નામે મેસેજ અને લીંક આવી હતી
જોકે આ શિક્ષિકાના મોબાઈલમાં 200થી વધુ ઓટીપી અને ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હોવાથી શિક્ષિકાને જાણ થઈ હતી પણ ત્યાં સુધીમાં તો સાયબર હેકર શિક્ષિકાનું બેન્ક ઓફ ઈન્ડિયાનું એકાઉન્ટ ખાલી કરી નાખ્યુ હતું. આ સાયબર ફ્રોડનો શિકાર બનેલી શિક્ષિકાએ વોટસએપ ગ્રુપના અન્ય શિક્ષકોને પૂછતાં અન્ય 3 શિક્ષકો પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આમ,ખેરાલુ તાલુકાના એક સાથે 4 શિક્ષકો સાયબર ફ્રોડનો ભોગ બનતા શિક્ષિકા ભારતી ગુર્જરે મહેસાણા સ્થિત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે.


