અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ ફળિયામાં આવેલી આંગણવાડીમાં સ્લેબના પોપડાની ગંભીર ઘટના સામે આવી છે. સદનસીબે, આ બનાવ રજાના દિવસે બન્યો હોવાથી 47 થી વધુ બાળકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ જર્જરિત આંગણવાડીઓ અને તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
મોટી જાનહાનિ ટળી
નવાગામ ફળિયાની આંગણવાડીનો સ્લેબ અત્યંત જર્જરિત હાલતમાં હતો. લાંબા સમયથી ગામલોકો દ્વારા આ આંગણવાડીનું નવીનીકરણ કરવાની માંગણી કરવામાં આવી રહી હતી પરંતુ તંત્રએ તે દિશામાં કોઈ પગલાં લીધા નહોતા. રવિવારે રજાનો દિવસ હોવાથી બાળકો આંગણવાડીમાં હાજર નહોતા અને આ જ સમયે અવ્હાનક સ્લેબના મોટા પોપડા પડ્યા. જો આ ઘટના શાળાના સમય દરમિયાન બની હોત તો મોટી જાનહાનિ થઇ હોત. ગ્રામજનોએ વારંવાર આંગણવાડી નવી બનાવવા માટે રજૂઆત કરી હોવા છતાં તંત્રએ નિરાકરણ લાવવાને બદલે માત્ર રિપેરિંગ કરીને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ કર્યો છે.તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
તમને જણાવી દઈએ કે, આ આંગણવાડીમાં 47 થી વધુ બાળકો ભણી રહ્યા છે અને તેમના માથે સતત મોતનું જોખમ લટકી રહ્યું છે. ગામલોકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ હવે તંત્ર સામે કડક કાર્યવાહી અને નવી આંગણવાડીના નિર્માણની માંગ ફરી રહ્યા છે. સરકાર બાળકોના શિક્ષણ અને વિકાસ માટે આંગણવાડી જેવી યોજનાઓ પર કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ જો આંગણવાડીના મકાનો જર્જરિત હોય અને બાળકોના જીવન જોખમમાં મૂકાતા હોય તો આ યોજનાઓની સાર્થકતા પર પ્રશ્નાર્થ ઉભો થાય છે. આ ઘટના તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવનું જીવતું જાગતું ઉદાહરણ છે


