અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર એક કરુણ ઘટના બની છે. હરિકૃપા સોસાયટીની શ્રીજી આગમનયાત્રા દરમિયાન ડીજેના ટેમ્પાએ અચાનક રિવર્સમાં આવતા પાછળ નાચી રહેલા બાળકોને અડફેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવીણસિંહનું ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ બાળકો દિયાન, જનક અને કૃષ્ણા ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસ અનુસાર, ટેમ્પોના મૂળ ચાલક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસ નામના વ્યક્તિને સોંપી હતી. ચિરાગ વ્યાસે ટેમ્પો પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.


