ભારતીય ક્રિકેટ હાલમાં એક અલગ જ બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પહેલા ધોનીનો યુગ પૂર્ણ થયો અને હવે વિરાટ કોહલી તથા રોહિત શર્માનો યુગ પણ તેમનાં અંતિમ પડાવ પર છે.
તેમની ખોટને પુરવા માટે અનેક યુવા ખેલાડીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. પરંતુ આજે એવા બે ખેલાડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ધોનીના T20 નિવૃત્તિ બાદ તોફાનની જેમ ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો.
આ રેસમાં બે નામ ચર્ચામાં આવ્યા
એ મેચ દરેકને યાદ હશે જ્યાં આ બંને ડાબોડી વિકેટકીપર-બેટ્સમેને તેમના પ્રદર્શનથી ભારતીય ક્રિકેટમાં ચર્ચા જગાવી દીધી હતી. જ્યારે ધોની T20 ક્રિકેટમાં છેલ્લાં સમયગાળામાં હતા. ત્યારે યુવા વિકેટકીપર ખેલાડીઓ વચ્ચે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ માટેની રેસ શરૂ થઈ ગઈ હતી અનેઆ રેસમાં બે નામ ચર્ચામાં આવ્યા – ઋષભ પંત અને ઈશાન કિશન.
ઈશાન કિશનના 273 રન
તે સમયે ઈશાન કિશન માત્ર 18 વર્ષના હતા અને તેમનો તોફાની અંદાજ ઘેર પાડતો હતો. દિલ્હી સામે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા ઈશાને 273 રનની અદભૂત ઇનિંગ્સ રમી હતી. તેમણે 21 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 493 સુધી પહોંચાડ્યો હતો. આ પારીમાં તેમણે રણજી ટ્રોફીની એક પારીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
ઋષભ પંતના 252 રન
ઈશાન કિશન જ્યારે સિંહની જેમ દહાડ્યા તો ઋષભ પંત પણ તેમનાથી ઓછા નહોતા. તેમની ટીમને ફોલોઑન મળ્યું. પ્રથમ ઇનિંગમાં પંતે 117 રન કર્યા અને બીજી ઇનિંગમાં 134 રન નોંધાવ્યા. કુલ મળીને 252 રન ફટકાર્યા. બંને ખેલાડીઓએ સાથે મળીને 525 રન બનાવ્યા. ત્યારબાદ આ બંને પાછળ ફરીને જોયા નહોતા અને આજે વર્લ્ડ ક્રિકેટમાં બંને નામ જાણીતા છે. પંતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને ધોનીની ખોટ ટીમને અનુભવી ન પડી.
કોણ આવ્યું પહેલાં ભારતીય ટીમમાં?
ઋષભ પંત ઈશાન કિશન કરતાં પહેલા ભારતીય ટીમમાં સામેલ થયા હતા. વર્ષ 2017માં પંતે T20 ડેબ્યુ કર્યું, અને 2018માં વનડે અને ટેસ્ટમાં પણ સ્થાન મળ્યું. એક કાર અકસ્માત બાદ પંત થોડો સમય ક્રિકેટથી દૂર રહ્યો. છતાં કમબેક બાદ તેમણે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. બીજી તરફ ઈશાન કિશને 2021માં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ્યા. જોકે તેમનો કારકિર્દી થોડી ઉતાર-ચઢાવભર્યો રહ્યો. હાલ તો ઈશાન ટીમ ઈન્ડિયાથી થોડા મહિના દૂર છે.