ભાવનગર શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો જેમાં 62 વર્ષીય વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી.
હત્યા કરનાર યુવક વૃદ્ધને ઓળખતો પણ ન હતો. વૃદ્ધને આ હત્યારા યુવક સાથે ના તો કોઈ બોલાચાલી થઈ હતી કે ના તો કોઈ જૂની અદાવત હતી કે ના તો કોઈ અન્ય માથાકૂટ પણ ન હતી તેમ છતાં આ હત્યારા યુવકે વૃદ્ધને છરીઓના ઘા ઝીંકી હત્યા કરી નાખી.
વૃદ્ધ સાયકલ પાર્ક કરીને જતા હતા અને હત્યા કરાઈ
ભાવનગર શહેરના કરચલિયા પરા રૂખડીયા હનુમાનજી મંદીર પાસે રહેતા 62 વર્ષીય છનાભાઈ ગોહેલ કે જેઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભાવનગર નજીક આવેલ મામસા ગામ ખાતે એક ફેકટરીમાં આ વૃદ્ધ તેમના સંબંધીઓ સાથે ફેબ્રિકેશનનું કામ કરવા જતાં હતાં. કરચલિયા પરા તેમના ઘરેથી વૃદ્ધ સાયકલ લઈને જતા અને સુભાષનગર નેચરલ પાર્કમાં પોતાની સાયકલ મૂકી તેમના કુટુંબી ભાઈઓ સાથે ફોર કારમાં મામસા ખાતે કામ કરવા જતાં હતાં.
છાતી પર બેસીને વૃદ્ધે માર્યા છરીના ઘા અને હત્યા કરી
છેલ્લા 6 થી 7 મહિનાથી વૃદ્ધ છનાભાઈની આ રૂટિન પ્રક્રિયા હતી. સવારે પણ 7.30 થી 8.00ના અરસામાં વૃદ્ધ પોતાની સાયકલ લઈને નેચરલ પાર્ક જવા નીકળ્યા હતા તે દરમ્યાન સુભાષનગર પાસે આવેલ ગોકુળધામ સોસાયટી પાસે ડેવિડ મનસુખ બારૈયા નામનો એક યુવાન ઉભો હતો અને દારૂના પૈસા વૃદ્ધ પાસે તેણે માંગ્યા હતા પરંતુ વૃદ્ધે આ યુવાનને રૂપિયા આપવાની ના પાડતા વૃદ્ધને છરીઓના ઘા ઝીંકી વૃદ્ધને છાતી ઉપર બેસી બે-ત્રણ ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગરની ઘોઘા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
મૃતક છનાભાઈ ગોરધનભાઈ ગોહેલ આ.ઉ.વ.62 સવારે 8 વાગ્યાના અરસામાં શહેર ના સુભાષનગર આવાસ યોજના નજીકથી પસાર થઈ પોતાના કામે જઈ રહ્યા હતા તે વેળાએ ડેવિડ મનસુખ બારૈયા નામના શખ્સ એ વૃદ્ધ ની સાયકલ અટકાવી રૂપિયા માંગ્યા હતા અને વૃદ્ધ એ તેને રૂપિયા આપવાની ના પાડતા આ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યારા આરોપીએ તેની બાજુમાં જ પડેલા બ્લોક વડે અને ત્યારબાદ છરીઓ વડે તેના ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ પોલીસનો સ્ટાફ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.


