ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરાયેલા SWAGAT (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અંતર્ગત, અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કરી હતી.
મુખ્યમંત્રીના આદેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં, કુલ 7 ફરિયાદો રજૂ થઈ હતી અને કલેક્ટરની હાજરીમાં આ તમામ ફરિયાદોનો સકારાત્મક અને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતાને પગલે, હવે આ કાર્યક્રમનો વ્યાપ તાલુકા કક્ષા સુધી વધારવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ હાજરી આપી હતી, જેથી લોકોના પ્રશ્નોનું અસરકારક અને ઝડપી નિરાકરણ શક્ય બની શકે. આ પહેલથી સ્થાનિક સ્તરે પ્રશાસન અને પ્રજા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બન્યો છે.


