ખેડા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક તાલુકાઓ પ્રભાવિત થયા હતા. વરસાદે વિરામ લીધાને ચાર દિવસ બાદ પણ માતર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોની જમીનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે અને મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.
માતર તાલુકાના છેવાડાના ગામો જેવા કે હાડેવા, વાલોત્રી, દલોલી અને વિરોજાની સ્થિતિ અત્યંત ગંભીર છે. આ ચાર ગામોમાં અંદાજે એક હજારથી વધુ વિઘા ખેતીલાયક જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ખેતરોમાં અંદાજે અઢી ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાથી ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ ભારે મહેનત કરીને વાવેતર કર્યું હતું, પરંતુ પાણીના યોગ્ય નિકાલના અભાવે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે અને તેમને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.હાડેવાના ખેડૂત સુરેશભાઈ પટેલે જણાવ્યું કે, હાડેવા, વાલોત્રી, દલોલી, વિરોજા ગામની અંદાજે ૧ હજાર વિઘાથી વધુ જમીનમાં પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જૂની છે અને અમે કાયમી ઉકેલની માંગણી કરીએ છીએ.કાંસની સફાઈનો અભાવ મુખ્ય કારણ માતર તાલુકાના ખેડૂત વનરાજ ભરવાડે જણાવ્યું કે, આ તમામ ગામો માતર તાલુકાના છેલ્લા ગામોમાં સમાવેશ થાય છે. મોટાભાગના ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ ડાંગરનું નામ નિશાન જોવા મળતું નથી. અમારા ખેતરોમાં દોઢ-દોઢ ફૂટ પાણી ભરાયેલા છે. જોકે આ દર વર્ષની પરિસ્થિતિ છે. જે કાંસ છે તેની યોગ્ય સફાઈ ન થતા અમારે દર વર્ષે મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે.
REPORTER : નરેશ ગનવાણી નડિયાદ


