ગુજરાતમાં સામુહિક આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદના બગોદરામાં લોનના હપ્તાથી કંટાળીને માતા-પિતાએ પોતાના 3 સંતાનો સાથે ઝેર પીને આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો હતો. એવામાં આજે સુરતમાંથી જ આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શિક્ષક પિતાએ પોતાના બે સંતાનો સાથે અત્મહત્યા કરી લીધી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ચીઠોડ ગામના વતની અલ્પેશ સોલંકી સુરત સ્થિત જિલ્લા પંચાયતના ક્વાર્ટરમાં પત્ની અને બે પુત્રો સહિતના પરિવાર સાથે રહેતા હતા. અલ્પેશ સોલંકી ડીંડોલી વિસ્તારની એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમના પત્ની જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
આજે અલ્પેશ સોલંકીએ પોતાના બે પુત્ર ક્રિશીવ (8) અને કર્નિશ (2) સાથે મળીને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આજે અલ્પેશ સોલંકી પત્નીનો ફોન રીસીવ નહતા કરી રહ્યા. આથી પત્નીને કંઈક અજુગતું થયું હોવાનું લાગતા, તેઓ તાત્કાલિક ઑફિસથી પોતાના ક્વાર્ટરમાં આવી ગયા હતા. જ્યાં તેમણે ઘરનો દરવાજો બંધ જોયો હતો. આથી પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર જઈને જોતા પતિ અલ્પેશ સોલંકી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પંખે લટકી રહ્યા હતા. જ્યારે બેડ પર બે પુત્રોના મૃતદેહ પડ્યા હતા. જ્યાં નજીકમાં જ રેટ કિલર નામની ઝેરી દવા પણ મળી આવી છે.આથી અલ્પેશ સોલંકીએ પહેલા બે સંતાનોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.અત્યારે FSLની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે. જ્યારે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અ્થે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ તો પોલીસે પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


