AHMEDABAD : ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ શહેરના લોકો માટે ચિંતા, આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0
92
meetarticle

અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે અને ઘરોમાં પણ ગંદુ પાણી મિક્સ આવી રહ્યું છે ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. હાર્દિક પટેલે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઉભા રહેવા અને જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવાની તૈયારી બતાવી છે.


વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે “પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્યશ્રી તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડના કામો મંજુર થયા છે અને લગભગ કામો પ્રગતિ હેઠળ છે. વિરમગામ શહેરમાં પણ બગીચા, લાયબ્રેરી, ટાવર, તળાવનું બ્યુટીફીકેશન સહીત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે. વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભુ દબાણ હટાવવામાં પણ સાથ આપ્યો છે. પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈક કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું. વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શર્મ અનુભવી રહ્યું છે. વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખુબ ફરિયાદો છે. વિરમગામ શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઉભું રહેવું પડશે. લોકોને મારી પાસે આ બાબતે ખુબ અપેક્ષા છે. હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઇ રહ્યું. જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજુર થઇ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે. છતાંય કોન્ટ્રકટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું. આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ ૧૧ કેવી અંડર ગ્રાઉન્ડ લાઈનના કામનું ભૂમિ પૂજન કર્યું હતું આજે તેના સાત મહિના થયા પણ કામ ૧% પણ થયું નથી. વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાય છે, ગંદુ પાણી મિક્સ થાય છે તેનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામો મંજુર થયા છે તે કામો ઝડપથી પુરા કરવામાં આવે તેવી વિનંતી છે. વિનમ્રતા સાથે જણાવવાનું કે મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઉભું રહેવું પડશે, જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે અને લોકોનો જે ભરોસો છે તે કાયમ કરવો પડશે. આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે તે સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને કાયમી નિરાકરણ કરી આપશો. સહકારની અપેક્ષા સહ આભાર..”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here