ભરૂચ: ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં જિલ્લા પંચાયતની પાછળ આવેલા સબ સ્ટેશનમાં ગતરોજ કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સબ સ્ટેશનમાં આવેલા ટ્રાન્સફોર્મર નજીક જ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આગને કારણે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે તાત્કાલિક સબ સ્ટેશનનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પરિણામે ભરૂચ શહેરના ૬ થી ૭ ફીડર પ્રભાવિત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સબ સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં કચરાનો ઢગલો અને આગ લાગવાની ઘટનાથી GEB (ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ) ભરૂચની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


