ખેડા-નડિયાદ LCB શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતીભાઈ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રૂ.૨૫ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીએ એક જાગૃત નાગરિકને તેના પરિવાર વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને લાંચની માંગણી કરી હતી.
એક જાગૃત નાગરિકે ACBને ફરિયાદ કરી હતી કે પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલ તેમને અને તેમના પરિવારને દેશી દારૂના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે અને આ કેસથી બચવા માટે રૂ. ૨૫ હજાર ની લાંચ માંગી છે. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે, ACB દ્વારા ૩૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ ફરિયાદીના ઘરે, ઇન્દિરાનગર, ગુતાલ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી હિરેનકુમાર પટેલે ફરિયાદી પાસેથી રૂબરૂમાં લાંચ પેટે માંગેલી રૂ.૨૫ હજાર ની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACB ટીમે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
REPOTER : નરેશ ગનવાણી નડિયાદ


