કાર્તિક અને શ્રીલીલાની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટમાં હવે ફેરફારો કરવામાં આવશે તેવી અટકળો દિગ્દર્શક અનુરાગ બસુએ ફગાવી દીધી છે.
બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર તાજેતરમાં રીલિઝ થયેલી ‘સૈયારા’ ફિલ્મમાં હિરોઈનને અલ્ઝાઈમર હોવાનું દર્શાવાયું છે. કાર્તિક અને શ્રીલીલાની આગામી રોમાન્ટિક ફિલ્મમાં પણ શ્રી લીલાને કોઈ બીમારી હોવાની વાર્તા હોવાનું કહેવાય છે. ‘સૈયારા’ હિટ થયા બાદ અનુરાગ બસુ કદાચ પોતાની સ્ક્રિપ્ટ બદલશે તેવી ચર્ચા હતી.
રસપ્રદ વાત એ છે કે ‘સૈયારા’ના દિગ્દર્શક મોહિત સૂરીએ જ ‘આશિકી ટૂ’ બનાવી હતી અને કાર્તિક તથા શ્રીલીલાની ફિલ્મ મૂળ ‘આશિકી થ્રી’ તરીકે જ બનવાની હતી. જોકે, કોપીરાઈટના ઝઘડાને કારણે એ ટાઈટલ ફાઈનલ થયું ન હતું.
અનુરાગ બસુ અને કાર્તિક આર્યન બંનેનાં વ્યસ્ત શિડયૂલના કારણે આ ફિલ્મનું શૂટિંગ રખડી પડયું છે. હવે શૂટિંગ ચોક્કસ ક્યારે શરુ થશે તે અંગે ફિલ્મની ટીમ કશું પણ કહેવા તૈયાર નથી.


